સેવાભાવી આગેવાનોએ ભગવાન શ્રી કૃષ્ણનો ગેટ અપ ધારણ કરી જરૂરિયાતમંદ બાળકોના ચહેરા ઉપર સ્મિત લહેરાવ્યું
મોરબી : સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે સતત કાર્યરત યંગ ઇન્ડિયા ગ્રુપે આજે કૃષ્ણ ભગવાનના ગેટઅપ ધારણ કરીને ગ્રુપના કાર્યકર્તાઓએ શહેરના જરૂરિયાતમંદ ૧૫૦૦ થી વધુ બાળકોને રમકડાં તથા મીઠાઈની ભેટ આપી. આ ભેટથી બાળકોના ચહેરા પર ખીલી ઉઠેલા સ્મિતે તહેવારની ઉજવણીને સાચા અર્થમાં પાવન બનાવી દીધી.
ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનો મર્મ માત્ર પોતાના પરિવારમાં મર્યાદિત નથી, પરંતુ બીજાના જીવનમાં આનંદ લાવવો એ જ તહેવારોની સાચી મહત્તા છે. યંગ ઇન્ડિયા ગ્રુપે આ સંદેશને જીવંત કરતાં જન્માષ્ટમીની ઉજવણી સમાજના વંચિત વર્ગ સાથે કરી.
યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે “અમે દરેક તહેવારની ઉજવણીમાં બીજાને ખુશી આપીને એ ખુશીનો આનંદ માણીએ છીએ. તહેવારોની સાચી મહત્તા એમાં જ છે કે પોતાના પરિવાર કે મિત્રોથી આગળ જઈને સમાજના વંચિત વર્ગ સાથે સુખ વહેંચીએ. આજનો કાર્યક્રમ એ સંદેશ આપે છે કે કૃષ્ણનો જન્મ ત્યાં થાય છે, જ્યાં કોઈ નિર્દોષ બાળકના હૃદયમાં આશાનું દીવડો પ્રગટે. આવનારા સમયમાં વધુ લોકો આ દિશામાં પ્રેરાય એ જ અમારો આશય છે.” યંગ ઇન્ડિયા ગ્રુપની આ પહેલ માત્ર એક તહેવારની ઉજવણી પૂરતી ન રહી પરંતુ સમાજમાં પ્રેમ, કરુણા અને સૌહાર્દનું પ્રેરણાદાયી બીજ વાવી શકી છે.