મોરબીમાં શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા મેન્ટોર દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ દિવાળી ના અવસરે અનેક કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં ગરીબ બાળકોને ફટાકડા ફોડવાનો આનંદ તેમજ ભોજન પીરસ્યું તેમજ નાના ફેરિયાઓ અને પાથરણા વાળાઓ પાસેથી મબલક ખરીદી અને તહેવારો પર પોતાના પરિવારોને છોડીને લોકોની સેવામાં હાજર રહેતા કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા.
જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી અલગ અલગ વિસ્તારમાં રેહતા જરૂરિયાતમંદ નાના બાળકોને દિવાળી દિવસે આશરે ૨૫૦૦ બાળકોને વિવિધ ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ હલવો અને લાડવા સાથે ભોજન જમાડીને વિતરણ કરવામાં આવ્યુ હતુ.
તેમજ સામાન્ય વર્ગના વેપારીઓને સ્વનિર્ભર બનાવવા માટે તેમની પાસે જ ખરીદી કરવા લોકોને મેસેજ આપતા દિવાળી નિમિતે ધનિક હોય કે સામાન્ય દરેક લોકો પોત પોતાના આર્થિક માપદંડને ધ્યાને રાખી અનેક ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે. હાલમાં મોટા શોરૂમ, શોપિંગ મોલમાં ખરીદીનો જબરો ક્રેઝ છે.ત્યારે શહેરમાં ઠેક ઠેકાણે પાથરાણા કે રેકડી-કેબિનમાં વિવિધ ચીજવસ્તુઓ વેંચતા સામાન્ય વર્ગના ધંધાર્થીઓ પાસેથી લોકો ખરીદી કરીને તેમના ઘરમાં દિવાળીના દીપ પ્રગટાવે એ હેતુથી મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે આ નાના માણસો પાસેથી શોપિંગ કરવાનું અનેરું અભિયાન ચલાવી એક નવો ચીલો ચિતર્યો હતો.
વધુમાં તમામ તહેવારોમાં લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે દિવાળી જેવા અવસર પર પોતાના પરિવારને તેમજ પોતાની જાતને ભૂલી જઈને સમાજ માટે ફરજ બજાવતા પોલીસ, એસટી, નગરપાલિકા, પેટ્રોલપમ્પ, રેલવે , ફાયરબ્રિગેડ, ટ્રાફીક વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય સરકારી કે જાહેર સંસ્થાઓમાં સેવા આપતા કર્મવીરોનું સન્માન કરી તેઓને મીઠાઈ આપીને દિવાળીની શુભકામના પાઠવી તેમની સેવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.