વડીલો ભક્તિમાં લીન થઈ સિનેમા હોલમાં રાજા રણછોડના ગીત ઉપર ઝૂમી ઉઠ્યા
મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે વૃદ્ધાશ્રમના વડીલોને લાલો ફિલ્મ બતાવવામાં આવ્યું હતું. વડીલોએ આ ધાર્મિક ફિલ્મ ઉત્સાહ સાથે નિહાળ્યું હતું. ઉપરાંત ફિલ્મ નિહાળ્યા બાદ વડીલો ભક્તિમાં લીન થઈને સિનેમા હોલમાં ઝૂમી ઉઠ્યા હતા.
સમાજથી અળગા રહેતા વર્ગને પણ તમામ ઉજવણીઓમાં સામેલ કરવા તેમજ તહેવારોની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે સ્કાય મલ્ટીપ્લેક્ષમાં ગુજરાતી મુવી લાલોના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શો ખાસ શોભેશ્વર રોડ ઉપર આવેલા વૃદ્ધાશ્રમના વડીલો માટે હતો. અંદાજે 40 જેટલા વડીલોએ અહીં લાલો મુવી નિહાળ્યું હતું. આ વેળાએ વડીલો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે લાલો મુવી જે અત્યારે ગુજરાતમાં છવાઈ ગયું છે. આવી મુવી ભાગ્યે જ બનતી હોય છે. દરેક લોકો આ મુવી જોઈ પ્રેરણા મેળવી રહ્યા છે. ત્યારે વૃદ્ધાશ્રમના વડીલો પણ આ મુવી જોઈ આનંદ મેળવી શકે અને ભગવાન કૃષ્ણને જોઈ ભાવ રાજી થાય તેથી તેમના માટે વિશેષ મુવી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડીલો આ મુવી જોઈને ખૂબ આનંદિત થયા હતા. મુવી પૂર્ણ થયે વડીલો રાજા રણછોડ ગીત ઉપર ગરબે પણ ઘૂમ્યા હતા.









