Thursday, September 11, 2025
HomeGujaratમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું...

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબીમાં આ વર્ષે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન કરાયું છે. જેમાં તમામ બહેનોને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. તેમજ તમામને તિલક કરીને જ પ્રવેશ અપાશે. આ નવરાત્રી મહોત્સવમાં ફૂડ ઝોન, મેડિકલ સેવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

- Advertisement -
- Advertisement -

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર વર્ષે સંકલ્પ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વખતે 22 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં વિશેષ આકર્ષણો ઉમેરાયા છે. ખાસ તો છેલ્લા 5 વર્ષની જેમ આ વર્ષે પણ બહેનોને નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે. માતાજીના આ પર્વમાં તમામ લોકોને તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવશે. મોરબી અને મુંબઈના ખ્યાતનામ કલાકારો પ્રાચીન ગરબા ગાઈને ખેલૈયાઓને મજા કરાવી દેશે. આ નવરાત્રી મહોત્સવમાં સેલ્ફી ઝોનનું આકર્ષણ હશે. સાથે ફૂડ ઝોન અને મેડિકલ સુવિધા પણ હશે. નવરાત્રી મહોત્સવના આયોજન અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે, સંકલ્પ નવરાત્રી મોરબીની સંસ્કૃતિ, સમરસતા અને એકતાનું પ્રતિક છે. આ નવરાત્રી મહોત્સવ આજે માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ સમાજમાં સમરસતા, એકતા અને સાંસ્કૃતિક જતનનું સશક્ત મંચ બની ગયો છે. આ નવરાત્રી મહોત્સવનું મુખ્ય ધ્યેય માતા જગદંબાની આરાધના સાથે સમાજના દરેક વર્ગને જોડીને સાચા અર્થમાં એકતા અને ભાઈચારો સ્થાપવાનો છે. સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં બહેનોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મોટી સંખ્યામાં અહીં બાઉન્સરો તૈનાત કરવામાં આવશે. જેમાં મહિલા બાઉન્સરોની પણ મોટી ટિમ અહીં ખડેપગે રહેશે. સંકલ્પ નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબાની સાથે વિવિધ સામાજિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ ઉપરાંત સમાજ સેવામાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોનું અહીં સન્માન પણ કરવામાં આવશે. અંબે માતાજી – અંબાજી, ચામુંડા માતાજી -ચોટીલા, ખોડિયાર માતાજી -માટેલ, મહાકાળી માતાજી – પાવાગઢ, આશાપુરા માતાજી -માતાના મઢ, મોમાઈ માતાજી – મોરાગઢ, રવેચી માતાજી-રાવ (કચ્છ), મોગલ માતાજી- મોગલધામ, ઉમિયા માતાજી- ઊંઝા ખાતેથી માતાજીની ચુંદડી લાવી અહી રખાશે. જેની પૂજા-અર્ચના સાથે લોકો અહીં શક્તિ સૂત્ર બાંધી શકશે. બાદમાં એ શક્તિ સુત્રોને શક્તિપીઠ ખાતે અર્પણ કરવામાં આવશે. સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે ત્રીજા નોરતેથી વિશેષ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઈ ગીત નહિ હોય, શરણાઈ અને ઢોલના તાલે પ્રાચીન રાસ રમવાનો રહેશે. આમ ખેલૈયાઓ આપણી સંસ્કૃતિ મુજબના પહેલાના જમાનાના રાસને પણ માણી શકશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!