મહિલા સફાઈ સૈનીકોને યોગ્ય સુરક્ષા આપો : યંગ ઇન્ડિયા ગ્રુપ
મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર મધ્યરાત્રીના મહિલા સફાઈ સૈનિકને નિશાન બનાવી બે નરાધમ શખ્સોએ દુષ્કર્મ ગુજારતા આ ઘટનાના સમગ્ર રાજ્યના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ ઘટનાની ઉગ્ર નિંદા કરી દુષ્કર્મ આચરનાર શખ્સોને કડકમાં કડક સજા આપવાની માંગ સાથે સફાઈ સૈનિકોને પૂરતી સુરક્ષા આપવા માંગ ઉઠાવવામાં આવી છે.
સમાજની સુખાકારી માટે દિવસ રાત જોયા વગર ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સફાઈ સૈનિકનું બિરુદ આપ્યું છે ત્યારે મોરબીમાં મધ્યરાત્રીએ ફરજ બજાવતા વૃદ્ધ મહિલા સફાઈ સૈનિકની એકલતાનો લાભ લઇ બે નરાધમ હવસખોરો દ્વારા અપહરણ કરી દુષ્કર્મ ગુજારવામાં આવતા આ હીંચકારી ઘટનાને મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે.
વધુમાં રાત્રે તેમજ વહેલી સવારે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા મહિલા સફાઈ કામદારોની એકલતાનો લાભ લઇ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે મોરબી પાલિકા તંત્ર દ્વારા યોગ્ય સુપરવિઝન તેમજ ખાનગી કોન્ટ્રાકટર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય તેવા કિસ્સામાં કોન્ટ્રાકટર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની સાથે પોલીસ તંત્ર દ્વારા પણ મહિલા સફાઈ કર્મચારીઓની સુરક્ષા નિશ્ચિત કરવા માંગ ઉઠાવવામાં આવી છે.
ઉપરાંત મોરબીમાં જે રીતે એકલા મજબુર મહિલા કર્મચારીની એકલતાનો લાભ લઇ હવસખોરોએ અપહરણ કરી દુષ્કર્મ ગુજારતા આવી ઘટનાનું પુનરાવર્તન થાય તે માટે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અંતમાં ઉઠાવવામાં આવી છે.