વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરી ગરીબ બાળકોને લક્ઝુરિયસ કારમાં ફરવાના આનંદની અનુભૂતિ કરાવી પ્રેમથી ભાવતા ભોજનીયા કરાવ્યા
મોરબી : મોરબીમાં દરેક તહેવારોની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરીમાંસભર ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે ખાસ કરીને ગરીબ બાળકોના મોંઘી કારમાં બેસીને શહેરભરમાં ફરીને આનંદની અનુભૂતિ કરવાના સ્વપ્નને સાકાર કર્યું હતું. ઉધોગકારોના સાથ સહકારથી ગરીબ બાળકોને વૈભવી કારમાં બેસાડી શહેરભરની રોમાંચક સફર કરાવી હતી. બાદમાં ગરીબ બાળકોને વૈભવી હોટલમાં ભાવતા ભોજનીયા કરાવીને બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાના ભારતીય સંસ્કૃતિનું મૂળ ભાવાર્થને ખરાઅર્થમાં ચરિતાર્થ કર્યો હતો.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત પાંચમા વર્ષે આજે વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને નાના નાના વાહનોમાં જ અત્યાર સુધી મુસાફરી કરી હોય એવા ગરીબ બાળકોને વૈભવી કારમાં બેસીને મોજ માનવાનું જીવનનું મહત્વનું સ્વપ્ન હોય છે. આવા બાળકો કદી જ મોંઘી કારમાં બેસીને આનંદ માણ્યો હોતો નથી. તેથી, આવા બાળકોના સ્વપ્નને સાકાર કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરી ગરીબ બાળકોને સાચી રીતે વ્હાલ કરીને તેમને અનોખો આનંદ આપવા માટે જોય રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદભુત જોય રાઈડ્સનું શહેરના શનાળા રોડ સ્કાઇ મોલ પાસેના ગ્રાઉન્ડ ખાતેથી આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ તકે કલેકટર જી.ટી પંડ્યા, જિલ્લા શિક્ષણ અધિકારી એન.વી. રાણીપા, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પ્રવિણ અંબારીયા, નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ગરચર, દિનેશભાઇ વડસોલા, શાસંકભાઈ દંગી, કેતન વિલપરા, રોહન રાંકજા સહિતના અગ્રણીઓ આ જોય રાઈડ્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તથા ઉધોગકારો પોતાની 50 જેટલી વૈભવી કાર સાથે જોડાયા હતા. ત્યારે ગરીબ બાળકોને સીરામીક ઉધોગકારોની લક્ઝુરિયસ કારમાં બેસાડીને શહેરભરની રોમાંચક સફરની શરૂઆત કરવામાં આવી હતી. જો કે ગરીબ બાળકોનું ચાર ચાર બંગડી વાડી ગાડીમાં બેસીને ફરવાની મોજ માણવાનું સ્વપ્ન સાકાર થતા આ બાળકોમાં ખુશીની કોઈ સીમા રહી ન હતી.
આ વૈભવી કારની જોય ઓફ રાઈડ્સની શાનદાર સવારી શહેરભરમાં ફરી હતી. જેમાં બેઠેલા બાળકોએ કારમાં ઉભા ઉભા જ કિલકારીઓ કરીને અનોખા આનંદની અનુભૂતિ કરી હતી. શહેરના મોટાભાગના માર્ગો પર વૈભવી કારમાં ફરીને ગરીબ બાળકોએ આનંદનો ખજાનો લૂંટયો હતો. બાદમાં ગરીબ બાળકોને મોંઘી હોટલમાં ભાવતા ભોજનીયા કરાવવામાં આવ્યા હતા. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે બીજાના મનને અનોખો આનંદ આપીને આપણે ખુશ થવું એ જ આપણી સંસ્કૃતિનું મૂળ સોહાર્દ છે અને યંગ ઇન્ડિયા ગ્રુપે ભારતીય સંસ્કૃતિની આ ભાવનાને ચરિતાર્થ કરી છે. જરૂરિયાતમંદ બાળકોને સોચો આનંદ મળે એ માટે જ વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આવા બાળકોને સાચા અર્થમાં પ્રેમ આપીને આજના દિવસના મંગલપર્વની મૂળ ભાવનાને દીપવવાનો પ્રયાસ કર્યો છે. આપણે બીજાનું ભલું કરીએ તો આપણું ભલું આપોઆપ થઈ જશે એ મેસેજ લોકો સુધી પહોંચાડવાનો અમારો આ કાર્ય પાછળનો શુભ હેતુ છે.