કાલે રવિવારે સાંજે મેળામાં સોશ્યલ મીડિયાના આ બન્ને ફેમસ કલાકારો ખાસ ઉપસ્થિત રહી પોતાના આગવા અંદાજ લોકોને પેટ પકડીને હસાવશે
મોરબી : સમગ્ર મોરબીવાસીઓ એકદમ સુરક્ષિત વાતાવરણમાં પરિવાર સાથે આનંદ કિલ્લોલ સાથે જન્માષ્ટમીનો મેળો માણી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળો લોકોના પ્રચંડ પ્રતિસાડથી ધૂમ મચાવી રહ્યો છે. જન્માષ્ટમીના તહેવારો પૂર્ણ થવા છતાં ક્રિષ્ના ઉત્સવ મેળો માણવા લોકોનો ઉત્સાહ ઘટ્યો ન હોય હજુ પણ આ લોકમેળા પગ મુકવાની જગ્યા ન બચી હોય તેટલી જનમેદની ઉમટી પડે છે. હજુ પણ લોકમેળો માણવાના ઉત્સાહને પગલે યંગ ઇન્ડિયા ગ્રુપના ક્રિષ્ના મેલાને તા.29 ઓગસ્ટ સુધી લંબાવાયો છે. દરમિયાન કાલે રવિવારે સોશ્યલ મીડિયાના ફેમસ કલાકારો વિજુડી અને રાજ્યો ઉપસ્થિત રહી લોકોને મનોરંજન પૂરું પાડશે.
મોરબીમાં સામાજિક સ્તરેથી વિવિધ કાર્યક્રમો થકી અવિરતપણે દેશભાવનાને ઉજાગર રાખવાનો સક્રિય પ્રયાસ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરીજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જન્માષ્ટમી નિમિતે એકદમ સુરક્ષિત વાતાવરણમાં અને નિઃશુલ્ક પ્રવેશ સાથે મેળાનો ભરપૂર આનંદ ઉઠાવી શકે તે માટે શહેરના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ વિશાળ મેદાનમાં ક્રિષ્ના ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દરરોજ મોરબીવાસીઓ તેમજ આસપાસની જનતા મોટી સંખ્યામાં ઉમટી મેળાની મનભરીને મજા માણી રહી છે.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી મેળામાં સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા હતા. ત્યારે હવે લોકોને મનોરંજન પુરૂ પાડવા વિશેષ આયોજન કરાયું છે. સોશિયલ મીડિયામાં અવનવા રમુજી વીડિયો સાથે ધૂમ મચાવતા વિજુડી અને રાજ્યો આ બે કલાકારો આવતીકાલે રવિવારે સાંજે 7:30 વાગ્યે ક્રિષ્ના ઉત્સવ મેળામાં હાજર રહી પોતાના આગવા અંદાજમાં લોકોને મનોરંજન પૂરું પાડશે.