મોરબી જુના એસ.ટી.બસ સ્ટેશનમાં બસમાં ચડતી વેળાએ ધક્કામુકી થતા પડી ગયેલા યુવાન પર બસનું ટાયર ફરી વળતા યુવાનને ગંભીર ઇજા થવા પામી હતી. આ બનાવને પગલે ઈજાગ્રસ્તએ એસટી બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ ઘાંચી શેરીમા રહેતા મહેબુબભાઇ કાસમભાઇ બોઘા નામના ૩૬ વર્ષીય યુવાન જુના બસ સ્ટેન્ડમા બસની રાહ જોયને ઉભા હતા આ દરમિયાન એસ.ટી. બસ રજી. નં. જીજે-૧૮-જેડ-૬૫૧૧ બસ આવતા તેઓ બસમાં ચડતા હતા. તેમાં મુસાફરોના પ્રવાહને પગલે ધકામુકી થતા મહેબૂબભાઈ નિચે પડી ગયા હતા. અને એસ.ટી. બસના ચાલકે જોયા વગર આડેધડ બસ ચલાવી મહેબૂબભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મહેબૂબભાઈને બંને પગ ઉપર બસના ટાયરનો જોટો ફેરી જતા તેઓને પગના પાનીના ભાગે તેમજ ડાબા પગના સાથળના ભાગે ફ્રેકચર સહિતની ગંભીર ઇજા અને જમણા પગના ભાગે તેમજ સાથળના ભાગે સામાન્ય ઇજા થઇ હતી. આથી તેઓએ બસ ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી. એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.