વાંકાનેર શહેરના પુલ દરવાજા ચોક પાસે અર્ટિગા કાર લઇ મહેમાનને તેડવા આવેલ યુવકે ચોકમાં લચ્છીની લારી નજીક કાર લઈને ઉભેલ હોય જે બાબતે કાર અડચણરૂપ થાય છે કાર દૂર લઈને ઉભો રહે તેમ કહી યુવકને ઢીકાપાટુ તથા લાકડાના ધોકાથી લચ્છીની લારીવાળા સહીત ચાર શખ્સોએ હુમલો કરી યુવકને મૂંઢ માર માર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ગઈકાલ તા.૩ એપ્રિલના રોજ સવારે ૯ વાગ્યાના અરસામાં વાંકાનેરના આરોગ્યનગર શેરી નં.૫ માં રહેતા જાવેદભાઈ ઈસ્માઈલભાઈ આંબલીયા ઉવ.૨૫ પોતાના હવાલવાળી અર્ટિગા કાર રજી. જીજે-૩૬-એજે-૫૦૨૧ લઈને પોતાના મહેમાનને તેડવા વાંકાનેરના પુલ દરવાજા ચોક ખાતે ગયેલ હોય તે દરમિયાન પુલ દરવાજા ચોક પાસે દિલીપભાઈ લચ્છીવાળાની લારી નજીક અર્ટિગા કાર લઈને જાવેદભાઈ ઉભેલ હોય ત્યારે દિલીપભાઈ લચ્છીવાળાએ જાવેદભાઈને કહેલ કે ‘તે તારી ફોરવીલ મારી લચ્છીની લારી પાસે કેમ રાખેલ છે’ તેમ કહેતા જાવેદભાઈએ કહેલ કે હું મહેમાનને તેડવા આવેલ છું અને તમારા ધંધામા મારી ફોરવીલ કાંઈ અડચણરૂપ નથી તેમ કહેતા તેને દિલીપભાઈને સારું નહિ લાગતા તેણે જાવેદભાઈને ઢીકાપાટુનો શરીરે માર મારી તેમજ લાકડાના ધોકાવતી વાંસામા કમર ઉપર પાછળના ભાગે મુંઢ માર મારવા લાગ્યા તે દરમિયાન દિલીપભાઈના ઓળખીતા ઈકો ગાડીવાળાએ અર્ટીકા કાર પાછળના ભાગના કાચમાં લાકડાનો ધોકો મારી કાચ તોડી નાખી કારમાં નુકશાની કરી તેમજ દિલીપભાઈના ઓળખીતા અન્ય બે અજાણ્યા શખ્સોએ જાવેદભાઈને શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારે સમગ્ર બનાવમાં જાવેદભાઈને શરીરે મૂંઢ ઈજાઓ તેમજ અર્ટિગા કારમાં નુકસાની પહોંચાડતા જાવેદભાઈએ આરોપી દીલીપભાઈ ભરવાડ રહે-વાંકાનેર ભરવાડપરા તથા દીલીપભાઈ ભરવાડનો ઓળખીતો ઈકો ગાડીવાળો તેમજ બે અજાણ્યા શખ્સો સહીત કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.