મોરબી શહેરમાં હવાલાના રૂપિયાની ઉઘરાણીના વિવાદને લઈ એક યુવક પર છરી અને ધારીયા વડે હુમલો કરાયો હતો. હુમલામાં યુવકને માથા, કાન અને હાથમાં ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. સમગ્ર બનાવ અંગે ભોગ બનનારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના નર્મદા હોલ પાસે વજેપર ખાતે રહેતા સાહિલ ઇશાકભાઈ દલવાણી ઉવ.૨૦ એ આરોપી સમીર ઉર્ફે ધમો ઇબ્રાહિમ લંજા, તોફીક ઇબ્રાહિમ લંજા રહે-બન્ને મોરબી તથા અન્ય ૩ અજાણ્યા આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં હવાલાના રૂપિયાની ઉઘરાણીના વિવાદને લઈ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગઈકાલ ૩૦/૧૨/૨૦૨૫ના બપોરના સાડા અગિયાર વાગ્યાના અરસામાં રામચોક ખાતે આરોપીઓએ ફરિયાદી સાથે હવાલાના રૂપિયાની લેવડદેવડ બાબતની વાતચીતના બહાને લાતી પ્લોટ શેરી નં-૧૧ ખાતે લઈ જઈ ઝગડો કર્યો હતો. આ દરમિયાન આરોપી ૩ અને આરોપી ૪ તથા એક અજાણ્યો ઈસમ સહિત પાંચેય આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી હતી. આરોપી સમીર ઉર્ફે ધમાએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદીના માથામાં તથા કાનમાં ઈજા પહોંચાડી હતી, જ્યારે આરોપી તોફિકે ધારીયા વડે ડાબા હાથમાં મુઢ ઈજા કરી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









