હળવદ શહેરમાં બાપા સીતારામ મઢુલી સામે આવેલા કોમ્પ્લેક્ષ પાસે સમાધાનની વાતચીત દરમ્યાન એક યુવક પર તેના જ મિત્રએ છરીથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને હળવદ બાદ મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. હાલ ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે હળવદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ ભવાનીનગર લાંબી દેરી રામાપીર ચોક પાસે રહેતા અરવિંદભાઈ રામજીભાઈ સુરાણી ઉવ.૧૯એ પોલીસ સમક્ષ આરોપી સાહિદ ઉર્ફે સાહિલ અનવરભાઈ મકરાણી રહે. ભવાનીનગર ઢોરે હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તા. ૦૭/૦૯ના રોજ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં તેમના મિત્ર આરોપી સાહિદ ઉર્ફે સાહિલ સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. જેના સમાધાન માટે અન્ય મિત્રનો ફોન આવતા ફરિયાદી અરવિંદભાઈ પોતાના મિત્રો સંજય અને મહેશ કોળી સાથે બાઇક પર બેસીને બાપા સીતારામ મઢુલી સામે આવેલા કોમ્પ્લેક્ષ ખાતે સમાધાન માટે ગયા હતા. ત્યાં સાહિદ મકરાણી, નશીબ ખલીફા અને અન્ય મિત્રો હાજર હતા. સમાધાનની વાતચીત દરમ્યાન આરોપી સાહિદ ઉર્ફે સાહિલ એકદમ ઉશ્કેરાઇ ગયો અને અરવિંદભાઈને ગાળો આપી કહેલ કે, “આજે તને મારી નાખીશ” કહી પોતાના પાસે રહેલી છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં અરવિંદભાઈને ગળાના ભાગે છરીનો ઘા વાગ્યો હતો અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને હળવદ સરકારી દવાખાને પહોંચાડ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે. હાલ પોલીસે આરોપી સને ગુનો દાખલ કરી તેની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.