ટંકારા સરદારનગર વિસ્તારમાં ભૂંડ પકડવાના મુદ્દે યુવકનું મોટરસાયકલ આંતરી ત્રણ શખ્સોએ છરી અને પથ્થરથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવક અને તેની સાથે રહેલ સાહેદને ઈજા પહોંચી હતી. ત્યારે ભોગ બનનાર યુવકે ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ક્રિપાલસિંહ મહેન્દ્રસિંહ બાવરી ઉવ.૨૫ રહે.સરદારનગર શેરી ન.૩ ટંકારા વાળાએ આરોપી કમલસીંગ મહેન્દ્રસિંહ બાવરી, સતપાલસીંગ કમલસીંગ બાવરી તથા અમરસીંગ કમલસીંગ બાવરી રહે બધા ટંકારા જમજમનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા. ૨૪/૧૨/૨૦૨૫ના રોજ સરદારનગર સોસાયટીની શેરીમાં ફરીયાદી ક્રિપાલસિંહ મહેન્દ્રસિંહ બાવરી અને સાહેદ ભગતસિંગ મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ તેમનું મોટરસાયકલ આંતરી રોકી ભૂંડ ન પકડવા બાબતે ઝઘડો કર્યો હતો. ફરીયાદીએ ભૂંડ ન પકડ્યાનું કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. આરોપી અમરસીંગે છરી વડે ફરીયાદીના જમણા હાથમાં ઘા કર્યો હતો, જ્યારે કમલસીંગે પથ્થર વડે માથામાં માર કરી ઇજા પહોંચાડી હતી. બાદમાં ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









