દુકાન બંધ કરવાની ધમકી બાદ ઝઘડો, છરી અને ધોકા વડે ઇજા, એક અજાણ્યા સહિત ચાર આરોપી સામે કાર્યવાહી.
માળીયા(મી): અણીયારી ટોલનાકા પાસે આવેલ નોનવેજની લારી બંધ કરાવવા મુદ્દે યુવક ઉપર છરી વડે હુમલો કરાયો હતો. ઘટનામાં એક આરોપીએ છરીથી હાથ પર ઈજા કરી જ્યારે અન્યોએ ધોકા અને ઢીકાપાટુ સહિત મારામારી કરી ધમકીઓ આપી હતી. બનાવ બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસ ફરિયાદને આધારે પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
માળીયા(મી) તાલુકાના કાજરડા ગામે રહેતા અને અણીયારી ટોલનાકા પાસે મુરઘી-ઈંડાની કેબીન ચલાવતા મહેબુબભાઈ મુસાભાઈ કાજેડીયાએ આરોપી મોસીન નુરાલી મોવર, ફારૂક નુરાલી મોવર તથા વલીમહમદ નુરાલી મોવર ત્રણેય રહે.માળીયા ત્રણ રસ્તા પાસે વાળા તથા આર્ક અજાણ્યો ઈસમ એમ ચાર આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે, ગત તા. ૦૩/૦૪/૨૦૨૬ની રાત્રે ફરિયાદી તેઓ ધંધા પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે માળીયા રોડથી કાજરડા ગામ જવાના રસ્તે ઉપરોક્ત ચારેય શખ્સોએ તેમને રોકી અણીયારી ટોલનાકા પાસે અમારે દુકાન કરવી છે જેથી તારી દુકાન બંધ કરવાની ધમકી આપી બોલાચાલી શરૂ કરી હતી.
આ દરમિયાન આરોપી મોસીન મોવરે છરી વડે હુમલો કરી તેમના ડાબા હાથમાં ઈજા પહોંચાડી હતી, જ્યારે અન્ય એક અજાણ્યા વ્યક્તિએ ધોકા વડે માથાના ભાગે માર માર્યો હતો. તેમજ અન્ય આરોપીઓ દ્વારા ધમકી આપી મારામારી કરી નાસી ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે પહેલા માળીયા અને બાદમાં મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ સમગ્ર બનાવ મામલે માળીયા(મી)પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









