બહેન સાથે થયેલા છુટાછેડાનો ખાર રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી: યુવકના બાઈકમાં પણ તોડફોડ.
મોરબીમાં બહેન સાથે થયેલા છુટાછેડાનો ખાર રાખી પૂર્વ બનેવીએ સાળા પર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના મોટરસાયકલમાં પણ તોડફોડ કરી હતી. સમગ્ર મામલે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં જૂના મનદુઃખને લઈને હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પૂર્વ બનેવીએ પોતાની પત્ની સાથે થયેલા છુટાછેડાનો ખાર રાખી સાળા પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે રવાપર રોડ, કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા દિવ્યરાજભાઈ કિરણભાઈ સનારીયાએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકે આરોપી ભાવેશભાઈ દેવકરણભાઈ સાવરીયા રહે. રાજપર ગામ અનુ.જાતિવાસ તા.જી.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આજથી ત્રણ વર્ષ પહેલાં ફરિયાદીની બહેનના આરોપી ભાવેશભાઈ દેવકરણભાઈ સાવરિયા સાથે છુટાછેડા થયા હતા, જે બાબતનું મનદુઃખ રાખી ગત તા.૩૦/૦૫ના રોજ ફરિયાદી પોતાના મોટરસાયકલ પર ઓફિસ જવા નીકળ્યા હતા ત્યારે આરોપીએ પોતાની ફોર્ચ્યુનર કારમાં તેમનો પીછો કર્યો હતો અને બાદમાં સનાળા રોડ પર કે.કે. સ્ટીલ નજીક આરોપી લાકડાનો બેઝબોલનો ધોકો લઈને આવ્યો હતો અને ફરિયાદીને કમર તેમજ બંને પગના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી હતી. ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જ્યારે ફરિયાદી વધુ મારના ડરથી ત્યાંથી ભાગી જતા આરોપીએ ફરિયાદીના મોટર સાયકલમાં પણ તોડફોડ કરી હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.






