મોરબીમાં ગઈકાલે બે લોકોના અકાળે મોત નિપજ્યા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં મોરબીના યુવકે કોઇપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધો હતો. જયારે બીજા બનાવમાં વાંકાનેરની થાન ચોકડી પાસે એક કિશોરીનું સીડી ઉપરથી પડી જતા મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં, મોરબી-2 ના સાંમાકાઠા વિસ્તારમાં આવેલ બૌધ્ધનગર ખાતે રહેતા 25 વર્ષીય વિપુલભાઈ નાનજીભાઈ સોલંકીએ કોઇપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે પોતાની રીતે ગઈકાલે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, વાંકાનેરના તાલુકાના થાન ચોકડી ખાતે રહેતા બાલકિશન ઉર્ફે બાલચંદ ધારજીભાઇ ભુરીયાની બાળકી નંદીની વાંકાનેર નવાપરા જીતુભાઇના ઘરે હતી ત્યારે મકાનની સીડી ઉપરથી પડી જતા માથે તેમજ શરીરમાં ઇજા થતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે રાજકોટ ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમ્યાન તેનું મોટ નિપજતા ડૉ ઇલીયાસ જુનેજાએ જોઈ તપાસી બાળકીને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.