વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકે વાહનોની લાંબી લાઇન હતી તે દરમિયાન મોટર સાયકલ ચાલકે પોતાનું વાહન પુરપાટ ગતિએ ચલાવી આવી ટોલનાકે ઉભેલ ટ્રક ટ્રેઇલરના ઠાઠામાં અથડાવતા મોટર સાયકલના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પોલીસે આરોપી મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકાથી આગળ ચોટીલા તરફ ચાંમુંડા હોટલ પાસે હાઇવે રોડ પર ગત તા. ૧૩/૧૨/૨૦૨૫ના રોજ રાત્રીના આશરે સાડા નવ વાગ્યાના અરસામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મરણજનાર લેરસિંહ ભેરૂસિંહ સીસોદીયા ઉવ.૨૨ રહે. હાઉસિંગ બોર્ડ દુધસાગર રોડ, આજીડેમ ચોકડી રાજકોટ મૂળ રહે. કુંડાલ ગાવ કઠાર તા. બડગાવ જી. ઉદયપુર રાજસ્થાન વાળા પોતાનું મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-સીજે-૭૩૦૦ ઉપર જઈ રહ્યા હતા. ત્યારે ટોલનાકા પાસે વાહનોની લાંબી લાઇન હોવા છતાં તેઓ બેફિકરાઈપૂર્વક પુરઝડપે વાહન ચલાવતા ટ્રક કન્ટેનર રજી.નં. જીજે-૧૯-ટીવાય-૩૦૯૫ના પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી મૃતક મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









