મોરબીમાં આપઘાત અને અકસ્માતોનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં એક બાજુ બીપરજોઈ વાવાઝોડાના કારણે ભારે પવન અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. તો બીજી બાજુ એક મહિલા માથે પથ્થર પડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ એક યુવક ત્રીજા માળેથી પડી જતા તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.
પ્રથમ બનાવમાં, મોરબીમાં સોમનાથ ટાવર મહેન્દ્રનગર ખાતે રહેતો રાકેશભાઇ અળુભાઇ પટેલ નામનો યુવક ગઈકાલે પોતાના ઘરે હોય ત્યારે સોમનાથ ટાવર ખાતે ત્રીજા માળેથી કોઇપણ કારણસર પડી જતા તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેને પગલે ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીમાં નાની વાવડી ખાતે રહેતા રાજેશ્રીબેન અશોકભાઇ કાસુન્દ્રા નામની મહિલા ગઈકાલે સાંજના છ વાગ્યે ઓનેસ્ટ હોટલે બેઠા હતા ત્યારે કોઇ કારણસર ઉપરથી પથ્થર તથા પતરૂ તેની માથે પડ્તા માથાના ભાગે ઇજા થવાથી મરણ જતા તેઓનો મૃતદેહ માળીયા મી. સરકારી હોસ્પીટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે માળીયા મી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી.