વાંકાનેરમાં પાણીની મોટર ચાલુ કરતાં ઇલેક્ટ્રિક શોક લાગતા બંધન બેંકના કર્મચારી હાર્દીકભાઈ રાતડીયાનું દુઃખદ મોત થયું હતું. ઘટનાને લઈને મૃતકના ભાઈએ ઘરમાલીક વિરુદ્ધ બેદરકારીનો આક્ષેપ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મકાનમાં યોગ્ય વાયરિંગ અને સલામતીના ઉપાયો ન હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવતા હાલ પોલીસે આરોપી મકાનમાલીક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬(૧)હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેર શહેરમાં ગત તા.૧૬ જુનના રોજ બનેલ ઘટનામાં બંધન બેંકમાં કાર્યરત કર્મચારીનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું હતું. જે બનાવ અંગે મૃતકના ભાઈ જયેશભાઈ રાજુભાઈ રાતડીયા ઉવ.૨૬ રહે. વઢવાણ જી.સુરેન્દ્રનગર વાળાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ, તા. ૧૬ જૂન ૨૦૨૫ની સાંજે ફરિયાદી જયેશભાઈને ફોન મારફતે ખબર મળી કે તેમના નાના ભાઈ હાર્દીકને પાણીની મોટર ચાલુ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગતા વાંકાનેર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હાર્દીકભાઈ સાંજના સમયે પોતાના મકાનમાં પાણીની મોટર ચાલુ કરવા માટે વીજ વાયર જોડતા હતા. તે સમયે તેમનો પગ લપસતા ચાલુ વાયર હાથમાં અડી ગયો હતો, જેના કારણે ઇલેક્ટ્રિક શોક લાગ્યો અને તેઓ બેભાન થઈ પડી ગયા હતા. ત્યારે પડોશીઓએ તેમને હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાના દસ દિવસ બાદ, મૃતકના ભાઈ જયેશભાઈ વાંકાનેરના સ્વપ્નલોક સોસાયટી સ્થિત આવ્યા હતા કે જ્યાં તેમના ભાઈ મૃતક હાર્દીકભાઈ રહેતા હતા. ત્યારે મકાનની અંદર તપાસ કરતા, મકાનમાં યોગ્ય વાયરિંગ, સેફ્ટી સ્વિચ કે અન્ય સુરક્ષા ઉપાયો ન હતાં, જેનાથી વીજ પ્રવાહ બંધ ન થવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. જેથી તેઓએ ઉપરોક્ત મકાનના માલિક અજીઝખાન સરવલખાન પઠાણ રહે. વાંકાનેર મીલ કોલોની વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી મજન માલીકે બંધન બેન્ક સાથે ભાડા કરાર કર્યા બાદ પણ મકાનમાં સલામતીની વ્યવસ્થા ન કરી અને બેદરકારી દાખવી, જેના પરિણામે હાર્દીકનું મોત થયું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









