મોરબીમાં આપઘાત અને અકસ્માતનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકામાં બે અકાળે મોતના બનાવો નોંધાયા હતા. જેમાં એક યુવકનું ત્રીજા માળેથી પડી જતા મોત નીપજ્યું હતું. જયારે નાગડવાસ ગામના વૃધ્ધે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.
પ્રથમ બનાવમાં, મોરબીના બેલા સીમ લેક્મી સીરામિક લેબર કવાર્ટરમાં રહેતો સંજુ પન્નાલાલ ઘોર નામનો યુવક ગઈકાલે વહેલી સવારે ૧૨:૧૫ વાગ્યા આસપાસ લેક્મી વિટ્રીફાઈડના લેબર કવાર્ટસના ત્રીજા માળે હતો. ત્યારે અચાનક છત પરથી પડી જતા શરીરે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેને દમ તોડી દીધું હતું. જેના કારણે ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીના નાગડાવાસ ખાતે રહેતા રવાભાઇ અરજણભાઇ બોરીચા નામના વૃધ્ધએ ગઈકાલે પોતાના ઘરે કોઇપણ કારણોસર ગળે ફાસો ખાઇ જતા તેના પરિવારજન અશ્વિનભાઇ બોરીચા દ્વારા વૃધ્ધને મોરબી સરકારી હોસ્પિટલમા ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેને મરણ જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.