ભડીયાદથી બે સગાભાઈઓ અલીયાબાળા મિત્રને મળવા જતા રસ્તામાં અકસ્માત સર્જાયો.
ટંકારાના કલ્યાણપર ગામના પાટિયા નજીક આગળ જતા ટ્રકને ઓવરટેક કરવા જતા બાઈક સામેથી આવતા અન્ય ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા તેના ભાઈને ગંભીર ઇજાઓ થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં છે. હાલ ટંકારા પોલીસે મૃતક બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ભડીયાદ ગામે રહેતા ખેત શ્રમિક કુવરીયા ભદુભાઈ કિરાડીયા ઉવ.૨૬ અને તેમના ભાઈ સુંદરીયા ભદુભાઈ કિરાડીયા ઉવ.૨૭ બન્ને મૂળરહે. બીના ગામ તા.ભાભરા જી.અલીરાજપુર વાળા ગત તા. ૧૬/૦૯ના રોજ હીરો કંપનીના આઈ-સ્માર્ટ બાઈક નં. જીજે-૩૬-એ-૬૩૫૫ ઉપર ભડીયાદથી ધ્રોલ તાલુકાના અલીયાબાળા ગામે મિત્રને મળવા જઈ રહ્યા હતા. દરમિયાન ટંકારા-લતીપર રોડ પર કલ્યાણપર ગામના પાટિયા નજીક આગળ જતાં ટ્રકને ઓવરટેક કરવા જતા તેમનું બાઈક સામેથી આવતા ટ્રક નં. જીજે-૦૩-બીડબ્લ્યુ-૮૪૨૨ સાથે અથડાયું હતું.
અકસમાતમાં બાઈક ચાલક કુવરીયા ભદુભાઈ કિરાડીયાને પગ તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા તેમના ભાઈ સુંદરીયા ભદુભાઈ કિરાડીયાને પણ પગમાં ગંભીર ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બનાવ અંગે મૃતકના મોટાભાઈ રીંછુભાઈ ભદુભાઈ કિરાડીયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની તથા એમવી એક્ટની કલમો હેઠ મૃતક બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






