મોરબીમાં રહેતા શ્રમિક પરિવારના એક વર્ષના બાળકને કપડાં ખરીદી કરવા જવાનું કહીને પાડોશી દંપતી બાળકને અપહરણ કરી ફરાર થઈ ગયા હતા
જેમાં બાદમાં અપહરણ કરી યુગલ ઇન્દોર ખાતે આ અપહૃત બાળકને ચિઠ્ઠી સાથે રેઢો મૂકીને નાસી ગયું હતું. અને તપાસમાં ગયેલી મોરબી પોલીસની ટીમને મધ્યપ્રદેશ ના ઇન્દોર નજીકથી અપહૃત બાળક મળી આવતા મધ્યપ્રદેશમાં જ રહેલી મોરબી પોલીસની ટીમ બાળકનો કબજો લઈને મોરબી પરત આવીને પોલીસે બાળકનો કબજો તેના માતાપિતાને સોંપ્યો હતો જેમાં મોરબી પોલીસે મોરબીના યોગીનગર ઢાળીયા પાસે હનુમાન મંદીર નજીકના વિસ્તારમાં રહેતા મૂળ બિહારના વતની જીતેન્દરભાઇ સીપાહીભાઇ યાદવ (ઉ.વ. 37) એ પોતાના પુત્ર પિયુષ (ઉ.વ. 1 વર્ષ 3 માસ)નું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી જેમાં ગત તા. 7ના રોજ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ તેમની પાડોશની ઓરડીમાં રહેતા સંજુભાઇ કઢાઇભાઇ તથા તેના પત્ની રેખાબેન બન્ને સાતમ આઠમના તહેવાર માટે કપડાની ખરીદી કરવા જતા હોવાથી પીયુષને સાથે લઇ ગયા હતા. બાદમાં પરત ફર્યા ન હતા. આથી બાળકના પિતાએ પોલીસને જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી. આરોપી યુગલ મૂળ મધ્યપ્રદેશ ના હોવાથી બાળકનું અપહરણ કરીને આ દંપતી મધ્યપ્રદેશમાં ગયું હોવાની પોલીસને પ્રબળ શકયતા જણાતાં પોલીસે શંકાના આધારે ગત તા.૦૮ ઓગષ્ટ ના રોજ બી ડિવિઝન ઈન્ચાર્જ પીઆઈ આઈ એમ કોંઢીયા અને એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલ એમ બે મોરબી પોલીસની ટિમો તપાસ અર્થે મધ્યપ્રદેશ તત્કાળ રવાના કરાઈ હતી જેમાં એમપીના ઇન્દોરથી અપહૃત બાળક મળી આવતા મધ્યપ્રદેશમાં તપાસ અર્થે ગયેલી મોરબી પોલીસની ટીમો આવી ગયાની જાણ થતાં જ આરોપી સંજય આ બાળક સાથેની ચિઠ્ઠીને ઇન્દોર પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો.
અને મુકેલી ચિઠ્ઠીમાં આરોપીએ પોતાની ભૂલની કબૂલાત કરી હતી. આ અમારી ભૂલ થઈ ગઈ એમ કહીને બાળકને મૂકીને જતા રહ્યો હતો. આ બાળક સ્થાનિક લોકોને મળી આવતા ઇન્દોર પોલીસને જાણ કરી હતી. આથી આ બનાવની જાણ થતાં મધ્યપ્રદેશમાં જ તપાસ કરી રહેલી મોરબી પોલીસની ટીમ બાળકનો કબજો લેવા ઇન્દોર પહોંચી ગઈ હતી અને ઇન્દોર ખાતેથી પોલીસે બાળકનો કબજો મેળવીને આજે મોરબી આવી હતી અને બાળકને તેના માતાપિતાને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતે મોરબી એસપી એસ આર ઓડેદરા ના જણાવ્યા અનુસાર આરોપી સંજય અને તેની પત્ની રેખા નામની યુવતી સાથે લોકડાઉનના થોડા સમય અગાઉ મધ્યપ્રદેશથી મોરબી આવીને સામાકાંઠે રહેતો હતો. પણ તેને સંતાન ન હતું. આથી પડોશમાં રહેતા મૂળ બિહારના દંપતી સાથે ઘરોબો કેળવાયા બાદ તેના એક વર્ષના પુત્ર સાથે સારી એવી આત્મીયતા બંધાય હતી અને અવારનવાર આ બાળકને પોતાના ઘરે રમવા માટે લઈ જતો હતો. આરોપીઓને સંતાન ન હોવાથી આ બાળકનું અપહરણ કર્યાનું પોલીસનું અનુમાન છે. જોકે આ સંજય વિરુદ્ધ રેખાનું અપહરણ કર્યાનો પણ અગાઉ ગુનો દાખલ થયો હોવાની પોલીસને પ્રાથમિક વિગતો મળી છે. હાલ પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે અને ટુક સમયમાં આરોપી પકડાય જાય તેવી પોલીસે આશા વ્યક્ત છે.જો કે મોરબી પોલીસ ની ટીમે બાળકને હેમખેમ તેના વાલીઓને સોંપતા વાલીઓએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો