“સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાઓને સ્વચ્છ બનાવવાના સરકારના સ્વપ્નને ચરિતાર્થ કરવામાં આપણે સૌ સહભાગી બનીએ”- જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા
મોરબી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૬૦ લાખના ખર્ચે ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપન માટે ૨૬ ઈ-વ્હીકલ અપર્ણ કરવામાં આવ્યા હતા.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરાના વ્યવસ્થાપન હેતુ સરકાર દ્વારા મોરબીને ૨૬ ઈ-વ્હીકલની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી ૧૩ ઈ-વ્હીકલ મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવોના હસ્તે ગામના સરપંચઓ અને તલાટી-મંત્રીઓને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, ગુજરાત કોઇપણ ક્ષેત્રે પાછળ ન રહે તે માટે સરકાર દ્વારા કટિબદ્ધતાથી કામગીરી કરવામાં આવી રહી છે. ગામડાઓમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આપણી પણ જવાબદારી બને છે કે સરકારના આ સ્વપ્નને ચરિતાર્થ કરવામાં આપણે સૌ સહભાગી બનીએ. ઈ-વ્હીકલનો સદ્ઉપયોગ કરી ગામમાં કચરાના નિકાલ અને ડમ્પીંગ માટે યોગ્ય વ્યવસ્થા કરી સરકારના આ મિશનમાં સહભાગી બનવા ઉપસ્થિત સૌને પ્રમુખએ અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયાએ જણાવ્યું હતું કે, કોઈ પણ સુવિધામાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તાર પાછળ ન રહે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેનું આગવું ઉદાહરણ છે આ ગ્રામીણ સ્વચ્છ ભારત મિશન. ત્યારે ગામડાઓને સ્વચ્છ બનાવવાની આ પહેલમાં તમામ ગામોને સહભાગી બનવા તેમણે અપીલ કરી હતી.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત મોરબી તાલુકાના ૫, હળવદ તાલુકાના ૭, ટંકારા તાલુકાના ૨, માળિયા તાલુકાના ૨ તથા વાંકાનેર તાલુકાના ૧૦ ગામો મળી કુલ ૨૬ ગ્રામ પંચાયતોના ડોર ટુ ડોર કચરાના વ્યવસ્થાપન માટે ઇલેક્ટ્રિક વ્હીકલ ફાળવણી કરવામાં આવી છે જે પૈકી ૧૩ ઇલેક્ટ્રિક વ્હીકલની ચાવી મહાનુભાવોના હસ્તે સરપંચશ્રીઓ અને તલાટી-મંત્રીઓને અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત સર્વે મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી આ ઈ-વ્હીકલ્સને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી અને યોજનાઓની રૂપરેખા આપી હતી. કાર્યક્રમની આભારવિધિ નરસંગભાઈ છૈયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડાસોલાએ કર્યું હતું.આ પ્રસંગે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અગ્રણી સર્વ કે.કે. પરમાર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ દલસાણીયા તથા જિલ્લાના વિવિધ ગામડાઓના સરપંચઓ અને તલાટી-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.