ફક્ત સંતો-પાર્ષદો દ્વારા દાદાનું પૂજન તેમજ વિશ્વશાંતિ માટે શ્રી મારૂતિયજ્ઞ નું આયોજન કરાયું.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર દર વર્ષે લાખો હરિભકતોની હાજરીમાં ઉજવાતો શ્રી હનુમાન જયંતિ મહોત્સવ આજે તારીખ ૨૭ એપ્રિલ ૨૦૨૧ને મંગળવારના દિવસે હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સાદાઈથી ઉજવવામાં આવ્યો હતોમ જેમાં દાદાના મંદિરમાં વિશેષ શણગાર તથા દાદાના જન્મ દિનની દિવ્ય આરતી કરવામાં આવેલ તેમજ ફક્ત સંતો પાર્ષદો દ્વારા દાદાનો અભિષેક તથા રાજોપચાર પૂજન કરવામાં આવેલ અને ત્યારબાદ દાદાને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
મંદિરના પૂજય અથાણાવાળા સંતમંડળના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના જણાવ્યા મુજબ હાલની કોરોના મહામારીને વિશેષ લક્ષમાં લઈ સમગ્ર વિશ્વના કલ્યાણ તથા કોરોના મહામારીના નિવારણ અર્થે શ્રી હનુમાન જયંતિના પાવન દિવસે મારૂતિયજ્ઞ પણ કરવામાં આવેલ છે. દર વર્ષે યોજાતા શ્રી હનુમાન જયંતિ ઉત્સવ અંતર્ગત સમૂહયજ્ઞ પૂજન, લોકડાયરો વિગેરેતમામ જાહેર કાર્યક્રમો બંધ રાખેલ છે. તેમજ સરકારશ્રી તરફથી આગામી સૂચનાઓ ન મળે ત્યાં સુધી જાહેર જનતા માટે મંદિરના દર્શન, આરતી, ધર્મશાળા તથા ભોજનાલય બંધ રાખેલ છે.
દેશ-વિદેશમાં વસતા દાદાના તમામ ભક્તજનોએ શ્રી હનુમાન જયંતિ ઉત્સવના પવિત્ર-પાવન તેમજ દિવ્ય દર્શનનો અને અભિષેકવિધી તથા અન્નકૂટ આરતીનો લાભ ઘરે બેઠા ઓનલાઈન કરી શકે તે માટે આયોજન કરવામાં આવેલ છે.