ટંકારા : ટંકારા પંથકમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને તંત્રએ અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 120 બેડની સુવિધા ઉપલબ્ધ કરી હતી પરંતુ જેમાં આરોગ્ય સહિતની સુવિધાઓનો જ અભાવ હોવાથી આ 120 બેડ આજે પણ ખામીખમ છે અને એકપણ બેડ ભરાયો ન હોય ત્યારે ફરી તંત્રએ ગામો ગામ 5-5 બેડની વ્યવસ્થા કરી સરકારી નાણાંનો ખુલ્લેઆમ દૂરઉપયોગ કર્યો હોવાનો લોકોમાં સુર ઉઠ્યો છે. તંત્રના આવા અણઘડ નિયમોના પાપે હજુ પણ ટંકારા પંથક કોરોના કાળમાં રામભરોસે હોય તેવી કપરી સ્થિતિ સામે આવી છે.
ટંકારા તાલુકામાં કોરોનાની બીજી લહેર દરમિયાન તંત્રના રેઢિયાળ અને બેજવાબદારીભર્યા વલણને કારણે કોવિડની પરિસ્થિતિ હળવી થવાનું નામ લેતી નથી. કારણ કે સરકારે જે કાગળ ઉપર સુવિધા ઉભી કરી તે ખરેખર લોકભોગ્ય ન બનતા લોકોને તંત્રએ પોતાની સાથે આવી પરિસ્થિતિમાં ક્રૂર મજાક કરી હોય તેવી અનુભૂતિ થાય છે. જેમાં અગાઉ તંત્રએ ટંકારા પંથકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડના દર્દીઓ માટે ફેસિલિટી સેન્ટર ઉભા કર્યા હતા. નેસડા-ખાનપરમાં 30, નેકનામમાં 30, સાવડીમાં 30 અને લજાઈમાં30 એમ કરીને આ ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોવિડના દર્દીઓ માટે 120 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ જરુરી સ્ટાફ પણ નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ આ સુવિધાને એક અઠવાડિયા કરતા વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી એકપણ દર્દીએ લાભ લીધો નથી. તંત્રએ કોવિડ માટે ફાળવેલી 120 બેડ આજે પણ ખાલીખમ છે એનું કારણ એ છે કે આરોગ્ય સહિતની કોઈપણ પ્રકારની સુવિધા જ નથી. ઓક્સિજન વગરનો સ્ટાફ અને ફેસિલિટી સેન્ટરમાં માત્ર શૌચાલયની જ સુવિધાઓ હોવાથી ત્યાં જઈને કરવું શું તેવો સવાલ સાથે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી, તંત્રના પાપે આ એકપણ બેડ ભરાઈ ન હોય ત્યારે તંત્રએ હવે ગામોગામ વધુ 5-5 બેડની વ્યવસ્થા કરવાનો આદેશ આપતા લોકોમાં ભારે કચવાટ ઉભો થયો છે. સુવિધાઓ માત્ર નામ પૂરતું હોય તો ત્યાં જઈને કશો જ ફાયદો થવાનો ન હોવાથી તંત્રએ આ નિર્ણય લઈને સરકારી નાણાનો દૂરઉપયોગ કર્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.