ઇતિહાસના પાઠય પુસ્તકમાં ભણાવવામાં આવે છે કે યુરોપ અને ભારત વચ્ચેના જળમાર્ગની શોધ ઇસ ૧૪૯૭માં વાસ્કો દ ગામા નામના સાહસિક પોર્ટુગિઝ ખલાસીએ કરી હતી. આ જળમાર્ગ એક એવી ક્રાંતિકારી શોધ હતી જેનાથી હિંદુસ્તાન અને યુરોપ એક બીજાની સાથે કનેકટ થયા હતા.જોકે યુરોપના વાસ્કો દ ગામાને આફ્રિકાથી ભારત સુધીનો રસ્તો કાનજી માલમ નામના એક ક્ચ્છી ગુજરાતીએ દેખાડયો હતો.આ સાગરખેડુ ગુજરાતી વેપારી વાસ્કો દ ગામાને આફ્રિકાના માલિંદીથી કાલીકટ બંદરે પહોંચાડયો હતો. એ જમાનામાં માલિંદીથી માંડવીએ વહાણવટા વેપારનું કેન્દ્ર ગણવામાં આવતું હતું.
યુરોપ અને ભારત વચ્ચેનો જળમાર્ગ શોધવામાં ગુજરાતીનો પણ ફાળો
૮ જુલાઇ ૧૪૯૭ના રોજ પોર્ટુગલથી ભારત તરફ આવવા નિકળેલો વાસ્કો દ ગામાનો ૧૭૦ લોકોનો નૌકાકાફલો પવનની દિશામાં આફ્રિકાના દક્ષિણ ભાગ તરફ ફંટાયો હતો.વાસ્કો દ ગામા ત્યાંથી કાંઠે કાંઠે પૂર્વ આફ્રિકામાં મોમ્બાસા અને માલિંદી પાસે આવ્યો ત્યાં ગુજરાતી વેપારી કાનજી માલમ સાથે મૂલાકાત થઇ હતી. વાસ્કો દ ગામાનો કાફલાને સ્થાનિક ખલાસીઓ દ્વારા રંજાળવામાં આવ્યો હતો એટલું જ નહી તેના વ્યહવારથી પણ તેણે દુશ્મનો પણ ઉભા કર્યા હતા.આથી જ ગામા તે કોઇ એવા માણસની શોધમાં હતો જે તેને જળમાર્ગનું સાચું માર્ગદર્શન આપે. બીજી બાજુ માંડવીથી માલિંદી સુધીના બંદરે કાનજી ગળી અને શેરડીનો વેપાર કરતો હોવાથી તે આ રસ્તાનો ભોમિયો હતો.આમ યુરોપ અને ભારત વચ્ચેનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ જ શોધ્યો તેમાં એક ગુજરાતીનો પણ ફાળો હતો.
વાસ્કો દ ગામાની ડાયરીમાં પણ માલમનો ઉલ્લેખ થયો હોવાનું માનવામાં આવે છે.
૨૦૧૦ના ઓકટોબર માસ દરમિયાન કચ્છમાં મેરીટાઇમ કોન્ફરન્સમાં પણ ગુજરાત અને તેના દરિયાકાંઠા પરની ચર્ચા વખતે કાનજીનો ઉલ્લેખ હાજર વિદ્વાનો અને ઇતિહાસકારો દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં મરીન રીસર્ચ સાથે સંકળાયેલા ફ્રાંસ,પોર્ટુગલ,ચીન અને સિંગાપોરના નિષ્ણાતોએ પણ ભાગ લીધેલો.જો કે આફ્રિકાના દરિયાકાંઠે હતાશ થયેલા વાસ્કો દ ગામાના કાફલો દરિયાઇ માર્ગના કોઇ જાણકારની મદદથી જ ભારત પહોંચેલો એમાં ઇતિહાસકારો તથા વિદ્વાનોમાં એકમતી પ્રવર્તે છે પરંતુ તેને મદદ કરનારામાં કાનજી માલમ ઉપરાંત બીજા ખ્રિસ્તી અને મુસ્લીમ ખલાસીઓના નામ યુરોપના ઇતિહાસમાં ચર્ચાય છે. એક ઇટાલિયન સંશોધકે પણ લખ્યું છે કે કાનજી માલમ ગુજરાતી હતો. આમ ગુજરાતીઓ સાહસિક અને વેપારખેડૂ પ્રજા હતી તેનો પણ આ વધુ એક પુરાવો છે.
વાસ્કો દ ગામા કોણ હતો ?
વાસ્કો દ ગામા યુરોપમાં આવેલા પોર્ટુગલ દેશનો સાહસિક સાગરખેડૂ હતો. જેને પોર્ટુગિઝ સરકારે દુનિયાના પૂર્વ ભાગનો જળમાર્ગ શોધવાના અભિયાનનો કેપ્ટન તરીકે નિયુકત કર્યો હતો. ઇસ ૧૪૬૦માં નોબેલ ફેમિલીમાં જન્મેલા વાસ્કો દ ગામા અત્યંત કપરી દરિયાઇ મુસાફરી કરીને ૨૦ મે ૧૪૯૮ના રોજ ભારતના કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે તેને રાજાને ખૂશ કરવા માટે શેરડી અને કિંમતી ભેટસોગાતો ધરી હતી.તે થોડાક સમય ભારતમાં રહીને ચોમાસાની સીઝન જામે તે પહેલા પોર્ટુગલ રવાના થયો હતો.રસ્તામાં તોફાન અને વાવાઝોડાના કારણે રાશન પાણી ખૂટી જતાં મોઝામ્બિકમાં રોકાઇ ગયો હતો. ભારતથી નિકળ્યા બાદ તે એક વર્ષે પોર્ટુગલમાં પહોંચ્યો ત્યારે તેના કાફલામાં માત્ર ૫૫ લોકો બચ્યા હતા.તેના આ સાહસ બદલ તે પોર્ટુગલમાં હીરો થઇ ગયો હતો.૧૫૦૨માં તે ફરી ભારતમાં આવ્યો અને કાયમને માટે ભારતમાં જ રોકાઇ ગયો હતો.૨૪ ડિસેમ્બર ૧૫૨૪ના રોજ કોચિન ખાતે કોઇ રહસ્યમયી બિમારી થવાથી તે મુત્યું પામ્યો હતો.