અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી ૨૪ કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર શ્રીમતિ મનોરમા મોહંતીએ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘તાઉ’તે’ વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે. જે કલાકના ૭ કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને ૪૦ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે.
શ્રીમતિ મોહંતીએ ઉમેર્યું કે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તેથી ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે. આ વાવાઝોડું નબળું પડ્યું છે, પણ નાગરિકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે અપીલ કરી હતી.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું કે હવામાન વિભાગની આગાહી બાદ આગામી સ્થિતિ અંગે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે તેમજ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાના વહીવટીતંત્રને સજાગ રહેવા સૂચના આપવામાં આવી છે.