મરદ મુછાળો કોન્ટ્રાકટર ધારાસભ્ય કગથરાની સુચનાને ઘોળી પી ગયો : જિલ્લા પંચાયતના અધિકારી કોન્ટ્રાકટર પાસે ઘોડી વળી ગયા
ચોમાસા પહેલા માર્ગનું મરામત કાર્ય ન થાય તો અનેક ગામના લોકોની હાલત કફોડી : વિદ્યાર્થી સંગઠનનું અલ્ટીમેટમ
ટંકારા : ટંકારાથી આમરણને જોડતા અને અનેક ગામો માટે મુખ્યમાર્ગ ગણાતા અતિ મહત્વનો રોડ મંજુર થયો હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કામ શરૂ ન કરાતા આગામી ચોમાસામાં લોકોની હાલત કફોડી બની તેવા અણસાર મળી રહ્યા છે, આશ્ચર્ય તો એ વાતનું છે કે મરદ મુછાળો કોન્ટ્રાકટર ધારાસભ્ય લલિત કગથરાની સૂચના પણ ઘોળી પી ગયો છે અને જિલ્લા પંચાયતના અધિકારીઓને પણ ઘોડી કરી નાખ્યા છે. આ સંજોગોમાં વિદ્યાર્થી સંગઠન મેદાને આવ્યું છે.
ટંકારાથી નાના – મોટા ખિજડીયા, નશિતપર, ધુનડા, ગજડી અને આમરણને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે. નાયબ મુખ્યમંત્રીએ આ માર્ગ રીપેર કરવા આપેલા આદેશને પણ જાડી ચામડીના તંત્ર અને કોન્ટ્રાકટર એ ગણકાર્યા નહી.
બે વર્ષથી ટુટેલા ટંકારા – આમરણને જોડતા આ રોડનુ ચોમાસુ પહેલા કામ થાય એ શક્ય હાલતુર્ત તો લાગતું નથી. હાલમાં આ રસ્તે વાહન ચાલકો ચાલી શકે એવુ મરામત કામ કરવાની ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને અધિકારીની સુચના ને કોન્ટ્રેક્ટર ધોળી ને પી ગયો હોય અહીંથી પસાર થતા કાર -બાઈક અને ટ્રકની ગતીથી સાયકલ સવાર સડસડાટ આગળ નિકળે એવી હાલત છે.
આ સંજોગોમાં જો આવતીકાલે સોમવારે સાંજ સુધીમાં રોડના મસમોટા ખાડાને બુરવામાં નહી આવેતો વિદ્યાર્થી એકતા સંગઠન આ મામલે તંત્રને પાઠ ભણાવવા કમર કસી છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે કોન્ટ્રાકટર ધારાસભ્ય કગથરાના આદેશને ઘોળી પી ગયો છે અને જિલ્લા પંચાયતનો માર્ગ મકાન વિભાગ કોન્ટ્રાકટર સામે નમાલો સાબિત થઈ રહ્યો છે ત્યારે હવે જનતા જાગી હોય નવા જુનીના સંકેત મળી રહ્યા છે.