કિશોરીઓને આપવામાં આવતા પૂર્ણા શક્તિના પેકેટ માંથી લાઇવ સુખડી બનાવીને નિદર્શન કરાયું
૧૧ થી ૧૮ વર્ષ ની ગંભીર એનેમિયા ધરાવતી કિશોરી ને યોગ્ય અને સમયસર સારવાર મળી રહે તે માટે આઇસીડીએસ શાખા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ટંકારાના નેકનામ PHC ખાતે કિશોરીઓના HB ટેસ્ટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૬૦થી વધુ કિશોરીઓએ ભાગ લઇ પોતાના HB (હિમોગ્લોબીન)ની તપાસણી કરાવી હતી.
HB ટેસ્ટીંગ બાદ આંગણવાડી કેન્દ્ર પર કોવિડ-૧૯ ની ગાઈડલાઈનને ધ્યાને લઇ તમામ કિશોરીઓને ટંકારાના સીડીપીઓ ભાવનાબેન ચારોલા દ્વારા કિશોરીઓને આપવામાં આવતા પૂર્ણા શક્તિના પેકેટમાંથી કઈ રીતે અવનવી વાનગીઓ બનાવવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પૂર્ણા શક્તિના પેકેટમાંથી લાઇવ સુખડી બનાવીને કિશોરીઓને નિદર્શન કરવામાં આવ્યું હતું.
જયારે આઈ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયત મોરબીના મયુરભાઈ સોલંકી ડીસ્ટ્રીક્ટ કન્સલ્ટન્ટ (પૂર્ણા યોજના) દ્વારા SAG તથા PURNA યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર પર આપવામાં આવતી તમામ સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. મેડીકલ ઓફિસર ડૉ. હર્ષાબા સરવૈયા દ્વારા કિશોરીઓને એનેમિયા તથા તેના લક્ષણો, માસિક સ્ત્રાવ દરમિયાનની સ્વચ્છતા વગેરે વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યકમને સફળ બનાવવા નેકનામ સેજાના મુખ્ય સેવીકા સુધાબેન લશ્કરી, કો-ઓર્ડીનેટર રશ્મિબેન મયાત્રા તેમજ તમામ આંગણવાડી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.