કોરોનાની બીજી લહેર જ્યારે કહેર વરસાવી રહી હતી ત્યારે ગ્લુકોઝ અને મીઠાના મિશ્રણવાળા ડુપ્લીકેટ નકલી રેમડેસીવિર ઇન્જેક્શન વેચવાનો કાળો કારોબાર કરનાર ગેંગને ઝડપી લઈ મોરબી પોલીસે રાજ્યવ્યાપી કૌભાંડને ખુલ્લું પાડ્યું હતું. ત્યારે ગઈકાલે મોરબી પોલીસે અમદાવાદ અને મધ્યપ્રદેશના વધુ બે આરોપીઓને પકડી લીધા હતા. આ સાથે અત્યાર સુધીમાં આરોપીઓની ધરપકડની સંખ્યા 30 થઈ છે.
મોરબી એસઓજીના પી.આઇ. જે. એમ. આલ તેમજ સ્ટાફે ગઇકાલે વધુ બે આરોપીઓ રેહાનુદીન નઝમુદીન શેખ (ઉ.વ.૧૯, રહે.એ-૧૪, સાયન સોસાયટી, મોડેલ સ્કુલની પાસે, વિશાલા સર્કલ, અમદાવાદ), દેવેસ દિલીપ ચૌરસિયા (ઉ.વ.૪૧, રહે.ન્યુ રામનગર શાંતા માતા મંદિરની સામે, આધારતાલ જબલપુર, મધ્યપ્રદેશ) ને ઝડપી લીધા હતા. આ આરોપી રેહાનુંદિન શેખે અગાઉના આરોપી રઇસ કાદરી પાસેથી ૩૩૦ નકલી ઇન્જેકસનો વેચાતા લઈ એક ઇંજેક્શન દીઠ રૂ.૨૦૦ વધુ પડાવતો હતો. તેમજ બીજા આરોપી દેવેસ ચોરસીયા અગાઉના આરોપી તપન જૈન નામના આરોપીની પાસેથી ૫૦૦ જેટલા નકલી ઇન્જેકશનો વેંચાતા લઈ ૧૦ ટકાના કમિશન સાથે લોકોને આપતો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે આ બન્ને આરોપીઓની અટક કરીને પોલીસે રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે.