મોરબી રાજકોટ હાઈવે પર આવેલ ફેકટરીમાં વીજચોરી કરવામાં આવી હોય જે મામલે આજે મોરબી એડીશનલ સેસન્સ જજ એન્ડ સ્પેશ્યલ જજ ઈલેક્ટ્રીસીટી કોર્ટ દ્વારા વીજચોરીના કેસમાં કંપનીના બે ભાગીદારોને ૩૬.૯૫ લાખનો દંડ અને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઈવે પર આવેલ શ્રીજી એસ્ટેટ ખાતે શ્રીરામ ઓઈલ મિલના ભાગીદારો સામે ૩ ફેઇઝ ઇન્ડસ્ટ્રીયલ હેતુ સર વીજ કનેક્શન લીધેલ જેનું વીજ બીલ સમયસર ભરપાઈ ના થતા વીજ કનેક્શન બંધ કરવામાં આવેલ અને વીજ મીટર ઉતારી લેબ ચકાસણી કરાવતા અસામાન્ય કોડ જણાવતા ઉત્પાદન કંપનીના નિયમાનુસાર વીજ મીટરને બાહ્ય સાધન (સર્કીટ) વડે ડિસ્પ્લે કરી વીજ મીટરમાં નિયમિત રીતે નોંઘાતો વીજ વપરાશ અટકાવવાનું કૃત્ય કરેલ હોવાનું સામે આવ્યું હતુ.
આરોપીઓએ પોતાની ઓઈલમિલના વીજ મીટરને કોઈ બાહ્ય સાધન (સર્કીટ) વડે ડિસ્પ્લે કરી નોંધાતો વીજ વપરાશ અટકાવી વીજચોરી કરેલ હોય જે અંગેનો કેસ મોરબીમાં સી. જી. મહેતા, એડીશનલ સેસન્સ જજ એન્ડ સ્પેશ્યલ જજ ઈલેક્ટ્રીસીટી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ડી. આર. આદ્રોજાની દલીલો અને સરકાર તરફે રજુ થયેલ પુરાવાને ધ્યાને લઈને આરોપી રોહિત ભગવાનજીભાઈ કકાસણીયા અને અવચર અમરશીભાઈ કકાસણીયાને કસુરવાર ઠરાવી બંને આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા તથા રૂ ૩૬,૯૫,૮૮૧ રૂ નો દંડ ફટકાર્યો છે તેમજ દંડ ન ભરે તો છ માસની સાદી કેસની સજા ફરમાવતો હુકમ કર્યો છે.