મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર જામી છે ત્યારે છેલ્લા ચોવિસ કલાક સતત વરસી રહેલા વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. જેમાં મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. મોરબીમાં રવાપર રોડ, શનાળા રોડ, નવલખી રોડ, વાવડી રોડ, મહેન્દ્રનગર, વાવડી, લુટાવદર, બગથળા, ગોર ખીજડીયા સહિતનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે તો મોરબી, ટંકારા, વાંકાનેર તાલુકામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ સુપ્રસિદ્ધ માટેલીયો ધરો, રાતા વિરડાનુ તળાવ ઓવરફ્લો થયુ છે. મોરબીનાં પંચાસર ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદી તથા વાંકીયા નજીકથી પસાર થતી ઘોડાધ્રોઈ નદી પણ બે કાંઠે વહી રહી છે. માટેલીયા ધરામાં નવા નીર આવતા તેનાં વધામણા કરવામાં આવ્યા હતાં. છેલ્લા ૨૪ કલાકમાં ડેમમાં આવેલ પાણીની સ્થિતિ પર નજર કરીએ તો મચ્છુ-1 ડેમ 1.94 ફૂટ, મચ્છુ-2 ડેમ 1.97 ફૂટ, ડેમી-1 માં 10.76 ફૂટ, ડેમી-2માં 1.31 ફૂટ, ઘોડાધ્રોય ડેમ 3.44 ફૂટ, બંગાવડી ડેમ 12.43 ફૂટ, બ્રાહ્મણી ડેમ 0.46 ફૂટ, બ્રાહ્મણી -2 ડેમ 1.64 ફૂટ, ડેમી-3માં 4.27 ફૂટ જેટલા પાણીની આવક થઈ છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોરબી જિલ્લામાં સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધીમાં મોરબીમાં ૨૨ એમએમ, ટંકારામાં ૧એમએમ, જ્યારે માળીયામાં ૮ એમએમ વરસાદ નોંધાયો છે.