મોરબી જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદને કારણે મોરબીનો મચ્છુ-૩ ડેમમાં નવા નીરની આવક થઈ છે પાણીની આવકને કારણે ડેમનાં ૨ દરવાજા ૧ ફુટ જેટલા ખોલવામાં આવ્યા છે. ડેમના ૨ દરવાજા ખોલવામાં આવતા ૨૧ ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. જેમાં મોરબી તાલુકાના ગોરખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુંળકા, જુના સાદુંળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તો માળીયા મિયાણા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રસંગપર, વીરવદરકા, માળિયા મિયાણા, હરીપર, ફતેપર ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. મોરબી જીલ્લામાં તમામ ડેમોમાં પાણીની આવક પર નજર કરીએ તો મચ્છુ-1 ડેમમાં 1.94 ફૂટ,મચ્છુ-2 ડેમમાં 1.97 ફૂટ,ડેમી-1માં 10.76 ફૂટ,ડેમી-2માં 1.31 ફૂટ,ઘોડાધ્રોઈ ડેમમાં 3.44 ફૂટ,બંગાવડી ડેમમાં 12.43 ફૂટ,બ્રાહ્મણી ડેમમાં 0.46 ફૂટ,બ્રાહ્મણી -2 ડેમમાં 1.64 ફૂટ અને ડેમી-3 ડેમમાં 4.27 ફૂટમાં નવા નીર આવ્યા છે.