કાંતિલાલ અમૃતિયાની આગેવાનીમાં યોજાઈ હતી હળવદના ટિકર ગામે
મિટિંગ
હળવદ તાલુકાના ટીકર ગામે રવિવારે ખેડૂતો અને ખેડૂત આગેવાનો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી જેમાં માળીયા તાલુકામાં નર્મદા કેનાલનું પાણી ન પહોચતુ હોવાને લઈને ચર્ચા-વિચારણા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે સોમવારથી બે દિવસ માટે હળવદતાલુકાના અજીતગઢ,ખોડ,જોગડ,મયાપુર,ટીકર,માનગઢ,મીયાણી ગામના ખેડૂતો કેનાલમાંથી પાણી નહિ ઉપાડે જેથી માળીયાના ખેડૂતોને પણ પાણી મળી રહે.
આ સાથે જ બે દિવસ બાદ ઈંગોરાળા,ઇસનપુર, બોરડી, માલણીયાદ,રણમલપુર ગામના ખેડૂતોને સમજાવી તેઓને પણ બે દિવસ પાણી ન લેવા માટે અપીલ કરવામાં આવશે જેથી માળીયાના છેવાડાના ખેડૂતોને પણ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે અને ઉભી મોલતને જીવતદાન મળે.
આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા,મહેશભાઈ પારજીયા,તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જટુભાઇ ઝાલા, ગણેશભાઈ પટેલ,મનસુખભાઈ પટેલ,અજીતગઢના રજનીભાઇ પટેલ તેમજ માળિયા તાલુકાના ખેડૂત આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સિંચાઇના પ્રશ્નનો સુખદ ઉકેલ આવ્યો હતો.