અવકાશી આફતની આ કપરી સ્થિતિમાં પોલીસ જાણે ભગવાન બની અસરગ્રસ્તોની વ્હારે આવી રહી છે ત્યારે ટંકારા પીએસઆઇ બી. ડી. પરમાંરની ટીમ દ્વારા પુર જેવી સ્થિતિમાં અટવાયેલા 35 જેટલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા. ત્યારબાદ રાજકોટમાં અતિ ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે વરસાદી પાણીમાં ફસાયેલા વૃદ્ધ સહિત અનેક લોકોને મહામહેનતે બચાવી રાજકોટ શહેર એ ડીવીઝન પીઆઇ ચેતન જોશીની ટીમેં પ્રશંસનીય કામગીરી બજાવી છે.
ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમને કોલ આપવામાં આવેલ કે રાજકોટના હાથીખાના શેરી, નં. ૧૧ ખાતે કેટલાક વ્યક્તિ વરસાદી પાણી વધી જતા ઘરમાં ફસાયા હતા. અંગે જાણ થતાં પીઆઇ સી.જી. જોષી, પીએસઆઈ જે.એમ.ભટ્ટ તથા પી.સી.આર. ઇન્ચાર્જ હરેશભાઇ અંબારામભાઇ સહિતનો સ્ટાફ તથા ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગઈ હતી. અને પાણીમાં ફસાયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. એક વૃધ્ધ પોતાના ઘરમાં ફસાયા હોવાની જાણ થતાં બચાવ માટે ટિમ દોડી ગઈ હતી. જ્યાં વૃદ્ધની હાલત પાણીમાં ચાલી શકે તેમ ન હોય જેથી પોલિસ કોન્સ્ટેબલ હરેશભાઇ અંબારામભાઈ ફાયર સ્ટાફની બચાવ ટુકડીએ સ્ટેચર પર વૃદ્ધને મહામહેનતે પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસ ટીમે યશસ્વી ફરજ બજાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું છે. પોલીસની આ કામગીરીને લોકો મુક્તમને વખાણી રહ્યા છે