મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં પાલિકા તંત્રની બેદરકારી અને આળસુ વહીવટના પાપે વરસાદી પાણીનો નિકાલ ન કરવામાં આવતા ઠેર ઠેર પાણીના પાટોળા ભરાયેલા છે. ગંદકીમાં ગળાડૂબ આ વિસ્તાર જાણે મચ્છર ઉત્પતિનું ‘કારખાનું’ હોય તેવું લાગી રહ્યું છે. શેરીઓના રોડ પર ભરાયેલા પાણીમાં બેફામ મચ્છર ઉત્પતી થતી હોવાથી મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે છતાં આળશું તંત્રને કામગીરીનું શૂરાતન ન ચડતા લોકોમાં આક્રોશની જ્વાળા ભભૂકી છે.
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આશરે 90 થી 100 જેટલી નાના મોટી હોસ્પિટલો આવેલી છે. પરંતુ પાલિકા તંત્રની ઘોર બેદરકારીથી આ વિસ્તાર હાલ ગંદકીથી ખદબદી રહ્યો છે. વિસ્તારની તમામ ગલીઓમાં હજુ પણ વરસાદી પાણી હિલોરા લઈ રહ્યા છે. લાંબો સમય વીતવા છતાં પણ વરસાદી પાણી ઉલેચવા અંગે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી પાણીના ખાબોચિયામાં મોટાપાયે મચ્છર ઉત્પત્તિ જોવા મળી રહી છે. મચ્છર અને ગંદકીને લીધે આ વિસ્તારના લોકોના આરોગ્ય ઉપર ખતરો મંડરાઈ રહયો હોવા છતાં તંત્રના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. તંત્રની આવી વૃતી ના પાપે આગામી સમયમાં ઘરે ઘરે રોગચાળાના ખાટલા જોવા મળે તો નવાઈ નહીં.
મોરબીમાં સત્તાવાર રીતે રોગચાળાના જાહેર થયેલા આંકડા મુજબ તા. 06/09 થી 12/09 દરમિયાન ઝાડા-ઉલ્ટી 103 કેસ, મેલેરીયાના 13 કેસ, કમળા ના 03, ટાઈફોઈડના 05 અને ડેન્ગ્યુ 02 કેસ નોંધાયા છે. હાલ વરસાદી વાતવરણ હોવાથી તંત્રના આ સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક વિસ્તારમાં સાફ સફાઈ કરાવી પાવડરનો છંટકાવ કરાવે તેવી શહેરીજનોમાં માંગ ઊઠી છે.