તાઉતે વવાઝોડું અને જામનગર પંથક થયેલ જળહોનારતને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર પડી હોવાથી વિધાર્થીઓ અને એનએસયુઆઈની માંગને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આગામી તા. 18 ના રોજ યોજાનાર પાંત્રીસ જેટલી ફેકલ્ટીની પરીક્ષા રદ કરવા નિર્ણય લેવાયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આગામી તા. 18 ના રોજ બી.એ., બી.કોમ., બી.બી.એ. સહિત પાંત્રીસ જેટલી ફેકલ્ટીની જુદી જુદી પરીક્ષા યોજવા આયોજન કરાયુ હતું. જે હાલ પૂરતી મોકૂફ રખાઈ છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે અમરેલી પંથકમાં ત્રાટકેલા તોઉતે વાવાઝોડા અને તાજેતરમાં જામનગર પંથકમાં ખાબકેલા ભારે વરસાદને લીધે વિદ્યાર્થીઓના ઓનલાઈન અને ઓફલાઇન અભ્યાસને પ્રતિકૂળ અસર પડી હતી વધુમાં યુનિવર્સીટીમાં સેમેસ્ટર શરૂ થયાને થોડો સમય વીત્યો હોવાથી અડધો અડધ કોર્સ બાકી છે. આથી પરીક્ષા પાછી ઠેલવા અંગે વિદ્યાર્થીઓ અને વિધાર્થી સંગઠનો દ્વારા માંગ કરાઈ હતી જેથી વિધાર્થી હિતને ધ્યાને લઇ પરીક્ષા હાલ મોકૂફ રાખી છે. નવી તારીખની જાહેરાત દિવાળી પછી કેરશે તેમ અંતમાં કુલપતિએ જણાવ્યું હતું.