ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકની મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસીંગ આવાસ (મસીહા) યોજના અંતર્ગત મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ઔદ્યોગિક શ્રમયોગીઓને રાહત દરે ભાડેથી રહેવા તથા જમવાની સુવિધા પુરી પાડવામાં આવશે. મસીહા યોજનાથી શ્રમજીવીઓને ઔદ્યોગિક વસાહત ખાતે જ રહેવા તથા જમવાની વ્યવસ્થા થતાં જવા-આવવાના સમય તથા ભાડા ખર્ચમાં બચત, શિફ્ટમાં કામ દરમિયાન ભોજન મેળવવાની સરળતા તથા અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેથી શ્રમયોગીઓના માસિક ખર્ચમાં અંદાજે ૫૦ ટકા સુધીનો ઘટાડો થશે.
આ યોજનાની મોરબી જિલ્લામાં અમલવારી અંગે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોરબી સિરામીક એસોસીએશનના વિવિધ હોદ્દેદારો સાથે આગામી સમયમાં મકનસર અને મહેન્દ્રનગર વિસ્તારોમાં જમીન પસંદગી કરીને મસીહા યોજના અંતર્ગત હોસ્ટેલ શરૂ કરવાની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ તકે ગાંધીનગરથી ગુજરાત શ્રમ યોગી કલ્યાણ બોર્ડના વેલ્ફેર કમિશ્નર એચ.ડી. રાહુલે ઉપસ્થિત રહી માહિતી આપી હતી. જેમાં કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, એસપી એસ.આર. ઓડેદરા, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા શ્રમઆયુક્ત ડી.જે. મહેતા, સરકારી શ્રમ અધિકારી મેહુલ હિરાણી, સરકારી શ્રમ અધિકારી ડૉ. ડી.આર. કાનાણી, ડેપ્યુટી ડાયરેક્ટર દ્વિવેદી, આસીસટન્ટ ડાયરેક્ટર આર.એચ. સોલંકી, ફેક્ટરી ઇન્સ્પેક્ટર હર્ષલભાઇ ચોટલીયા, રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રા, સીરામિક એસોસીએશનના વિવિધ હોદ્દેદારો, આઇટીઆઇના પ્રિન્સીપાલપરમાર સહિત સંલગ્ન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.