મોરબી પંથકમાં લાંબો સમય કોરોનાએ પોરો ખાધા બાદ તહેવારોની મોસમ દરમિયાન આજે ફરી એક પોઝીટીવ કેસ સામે આવતા લોકો સહિત આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. મોરબી તાલુકાના રવાપર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 42 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દિવાળીના તહેવારોમાં લોકોએ મન મુકીને પ્રવાસ અને ખાણીપીણીની મોજ માણ્યા બાદ કોરોનાએ ફરી માથું ઊંચક્યું હોય તેમ આજે 101 દિવસ જેટલા સમયગાળા બાદ એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ફરવા માટે ગયેલ, અને પરત આવ્યા બાદ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા દર્દીનું સેમ્પલ લઇ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાં યુવાનને કોરોના વળગ્યો હોવાનું સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મહત્વનું છેકે મોરબી જિલ્લા માં ગત તા:- 30/07/21 ના રોજ છેલ્લો કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયા બાદ આજ સુધી કેસમા રાહત રહેવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે દર્દીએ કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધા હોવા છતાં કોરોનાની અસર થતા ચિંતા જન્મી છે પરંતુ હાલ કોરોનાના કોઈ ગંભીર લક્ષણો કે અસર જોવા ન મળી નથી.
કોરોના વેકસીનના બન્ને ડોઝ લેવા વહીવટી તંત્રની અપીલ
આમ કોરોના સંપૂર્ણ નાબૂદ થયો ન હોવાથી તેની ગંભીરતા પારખી કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં બાકી રહેલા તમામ લોકોએ પ્રથમ ડોઝ તેમજ પ્રથમ ડોઝ લઈ લીધેલ હોઈ અને બીજા ડોઝમાં બાકી રહેલા તમામ લોકોને સત્વરે તુરંત પોતાનો વેક્સિનનો ડોઝ મેળવી લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર – મોરબી દ્વારા અનુરોધ કરાયું છે.