મોરબીના હીરાસરી માર્ગનું ખાતમુહૂર્ત કરાયાને આશરે એક માસ જેટલો સમય વીત્યા બાદ કામગીરીનો પ્રારંભ કરવામાં ન આવતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી વહેલી તકે કામનો પ્રારંભ કરવાનો આદેશ આપવા માંગ કરાઇ છે.
મોરબીના હીરાસરી માર્ગના કામનું મોરબીના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે ખાતમુહૂર્ત થયાને એકાદ માસ જેટલો સમય વીતી ગયો છે પરંતુ મોટા ભાગના વિકાસ કામોની માફક આજ સુધી આ કામના શ્રી ગણેશ કરવામાં આવ્યા નથી. જેને લઈને મોરબીવાસીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. પ્રજાની પરેશની પારખી આ કામ સત્વરે શરૂ થાય તેવો હુકમ કરવા માંગ ઉઠવી છે વધુમાં રાજકોટ મોરબી રોડને ફોરલેન કરવાનું કામ પણ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે જેમાં પણ જરૂરી સૂચનો આપવા માંગ કરાઈ છે. આ દિશામાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવા અંગે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ રજૂઆતના અંતમાં ચીમકી ઉચ્ચારી છે.