મોરબી જિલ્લામાં અકસ્માતના બનાવોના દિવસેને દિવસે નોંધપાત્ર ઉછાળો આવી રહ્યો છે જેને લઈને પોલીસે આડેધડ પાર્કિંગ કરતા અને બેફામ સ્પીડે વાહન ચલાવતા શખ્સો સામે લાલ આંખ કરી છે આકરી કાર્યવાહી કરી છે. પોલીસે 5 ટ્રક ચાલકો સહિત 27 વાહન ચાલકો વિરુદ્ધ દંડનો દંડો ઉગામી વાહન જપ્ત કરવા સહિતના પગલાં લીધા હતા.
મોરબીમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન નહિ પરંતુ અસાધ્ય રોગ સમાન સાબિત થઇ રહી છે જેને કાબુમાં લેવી કઠિન બાબત થઈ રહી છે. મુસાફરો બેસાડવાની લ્હાઇમાં મનફાવે ત્યાં રીક્ષા ચાલકો બ્રેક લગાવી રોડ વચ્ચોવચ રીક્ષા ઉભી રાખી દેતા હોવાથી ટ્રાફીક અને અકસ્માતના બનાવો માથું ઊંચકે છે. વધુમા છેલ્લા ઘણા સમયથી મોરબી માં ટ્રક ચાલકોના ત્રાસને લઈને ફરિયાદો ઉઠી રહી છે. જેને લઈને મોરબી પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન ગઈકાલે શહેરમાં 5 ટ્રક ચાલકો સહિત નિયમ તોડતા 27 વાહન ચાલકો પોલિસ ઝપટે ચડ્યા હતા જે ને લઈને પોલીસે વાહન જપ્ત કરવા ઉપરાંત દંડ ફટકારવાની અને વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવાની પણ કાર્યવાહી કરી હતી.