મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ સોસાયટીના રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણી ની સમસ્યાનો ઉકેલ ન આવતા વિસ્તારવાસીઓ આજે આકરા પાણીએ થયા હતા અને નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને રજુઆત કરવા દોડી ગયા હતા.
વિસ્તારવાસીઓએ રજુઆતમાં જણાવ્યું કે, મોરબીની નીલકંઠ સોસાયટીમાં આશરે 150 થી વધુ મકાનો આવેલા છે હોય જેમાં અનેક પરિવારોના 1 હજારથી 1500 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. આ સોસાયટીમાં આશરે એકાદ વર્ષથી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છતાં આજ દિવસ સુધી તેમા પાણી આવતું ન હોવાથી વિસ્તારવાસીઓ તોબા પોકારી ગયા છે.આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણીની પળોઝણ નો અંત આવ્યો નથી. છેલ્લા ત્રણ માસથી વાપરવાના પાણીની વાત તો દૂર રહી પીવાના પાણીની પણ તંગી સર્જાઈ રહી છે. આથી લોકોએ વેરા પહોંચ સાથે રાખી રજુઆત કરી પ્રશ્ન ના ઉકેલ અંગે માંગ કરી હતી.પાણી અંગે રહીશો દ્વારા અનેક વખત રજુઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ અરજીને કચરા પેટીમા પધરાવી દેતા હોવાની પણ વિસ્તારવાસીઓમાં રાવ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે વેરો વસુલવામાં દોટ મુકતું તંત્ર લોકોને પાણી સહિતની પ્રાથમિક સુવિધા આપવામાં પાંગળું સાબિત થયું હોવાથી ટેકસ પેટે ઉસેડવામાં આવતા નાણાં જાય છે ક્યાં ? તેવો પણ પ્રશ્ન લોકોમાં ઉભો થયો છે.