ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ શ્રી રામધામ મંદિર ટ્રસ્ટ દ્વારા વાકાંનેરના જાલીડા ગામ ખાતે આયોજિત શ્રી રામ મહાયજ્ઞ કાર્યક્રમમાં હાજરી આપું સહભાગી થયા હતા. આ પ્રસંગે સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
વાકાંનેર નજીક ચોટીલા બાઉન્ડ્રી પાસે આવેલ જાલીડા ગામ ખાતે શ્રી રામધામ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી રામ મહાજ્ઞ કાર્યક્રમ દરમિયાન યોજાયેલ સમારંભમાં ડૉ. નીમાબેન આચાર્ય એ જણાવ્યું હતું કે, ચોટીલાની બાજુમાં ચામુંડા માતાજીના સાનીધ્યમાં ભવ્ય, દિવ્ય અને અદ્દભૂત રામ દરબાર મંદિર બનવા જઇ રહ્યું છે ત્યારે સમસ્ત લોહાણા સમાજ દ્વારા સાથે મળીને દિવ્ય આયોજન કર્યું છે જે અભિનંદનને પાત્ર છે. સમસ્ત આયોજનમાં રઘુવંશી સમાજ એકત્રીત થયો છે અને ત્રિદિવસીય શ્રી રામ યજ્ઞ ચાલી રહ્યો છે. રઘુવંશી સમાજનું શ્રી રામધામ મંદિર બનાવવાનું સ્વપ્ન છે. અને સમગ્ર દેશના લોકો આ મંદિરના દર્શન કરવા આવે એવું ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પની પૂર્તી થાય તે માટે રઘુવંશી સમાજને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આ પ્રસંગે અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ હોમ-હવનમાં ભાગ લઇને સમસ્ત રઘુવંશી સમાજ તન-મન-ધનથી યોગદાન આપે તેવું આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, વાકાંનેર પ્રાંત અધિકારી શેરશીયા તેમજ રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઇ સોમાણી સહિત સમગ્ર રઘુવંશી સમાજના આગેવાનો અને રઘુવંશી સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.