મહેન્દ્રનગર ચોકડી પર 21 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે ઓવર બ્રીજનું નિર્માણ પામશે
સંપૂર્ણ મોરબી શહેરની ફરતે ચારેબાજુ રીંગરોડના નિર્માણ માટે પ્રયાસો હાથ ધરાશેઃ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદી
મોરબી શહેરના હાર્દસમા મહેન્દ્રનગર ચોકડી પર 21 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ફ્લાયઓવર બ્રીજનું રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી-માળીયાના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજા, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી ખાતે રવિવારે મહેન્દ્રનગર ચોકડીના ઓવરબ્રીજના ખાતમૂહુર્ત પ્રસંગે યોજાયેલ સમારંભમાં સભાને સંબોધન કરતાં મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ ગુજરાતના તમામ વર્ગોનો રોડની કનેક્વીટી થકી સર્વાંગી વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે. આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે લોકોની અગવડતાને દૂર કરવા માટે અનેકવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે જેમાં આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં 1900 કરોડ રૂપિયાના ખર્ચે 233 રોડના 2500 કિ.મી. ના રસ્તાનું કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત ફાટક મુક્ત ગુજરાતની દિશામાં કામ ચાલી રહ્યું છે.
મોરબી શહેરમાં રોડરસ્તાઓની વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ મોરબી શહેરની ફરતે ચારેબાજુ રીંગરોડના નિર્માણ માટે પ્રયાસો હાથ ધરીને ભારે માલવાહક વાહનો શહેરની બારોબાર પસાર થઇ જાય તેવી વ્યવસ્થા ઊભી કરવા પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત હવે જ્યાં 2 લેન છે ત્યાં 4 લેન અને 4 લેન છે ત્યાં 6 લેન રસ્તાઓના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ. હેવી લોડેડ વાહનો ચાલે તો પણ રસ્તાઓ લાંબા સમય સુધી ટકી રહે તેવા ઉત્તમ રસ્તાઓનું નિર્માણ ચાલી રહ્યું છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છના રસ્તાઓની કનેક્ટીવીટી વધુ સરળ બને તે માટે પણ કાર્ય ચાલી રહ્યું છે. કોસ્ટલ હાઇવેનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાની માહિતી મંત્રીએ આપી હતી.
આ તકે અને રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીની ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે નવા રસ્તાઓ અને બ્રીજ બનાવી વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું જણાવી જિલ્લાના વિવિધ રસ્તાઓનું 309 કરોડ રૂપિયાના ખર્ચે કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ઉપરાંત સીરામીક ઝોનના રસ્તાના પ્રશ્નોના ઉકેલ માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો ઉલ્લેખ કરી મોરબીમાં નવા રીંગરોડના નિર્માણ માટે પણ કાર્યવાહી કરવાની દિશામાં વિચાર કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે મોરબી-નાથદ્વારા સ્લીપર બસ મંજૂર કરાવવા બદલ વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મોરબીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઇ રહ્યા છે. મોરબીમાં થઇ રહેલા પ્રજાલક્ષી કામો દ્વારા વિકાસની અનુભૂતી લોકોને થઇ રહી છે. મોરબી જિલ્લો સીરામીક હબ હોઇ મોરબી જિલ્લાના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓના નિર્માણ માટે પણ અનેક કામોને મંજૂરીઓ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અંદાજે 21 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રીજમાં 35 મીટરના 4 સ્પાન, મોરબી તરફ 324 મીટર લંબાઇનો એપ્રોચ, 272 મીટર લંબાઇનો હળવદ તરફ એપ્રોચ, એપ્રોચના બાંધકામમાં પ્રીકાસ્ટ પેનલની આર.ઇ. વોલ તેમજ બ્રીજની બન્ને તરફ 5 મીટર પહોળાઇનો સર્વિસ રોડ તથા પાકી સાઇડ ગટર પણ બનાવવામાં આવશે.
મોરબી ખાતે યોજાયેલ ખાતમૂહુર્ત કાર્યક્રમમાં મોરબી-માળીયાના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજા, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગનારાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ ઉપરાંત હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, તરઘરી ગ્રામ પંચાયત ના સરપંચ સાગર ભાઈ ફૂલતરિયા હાજર રહ્યા હતા ,માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ ગ્રામજનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.