વાંકાનેરમાં ગુમ થનાર યુવતી સગા બનેવી સાથે પ્રેમસંબંધમાં રહેતી હતી. આ હકીકત પોલીસ તપાસમાં ખુલતા ચકચાર મચી ગઈ હતી. વાંકાનેર તાલુકા પોલીસએ યુવતીને તેના પરિવારને સોંપી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા. રર/૯/ર૦ર૦ના રોજ નોંધાયેલ બનાવમાં નરશીભાઇ દેવજીભાઇ પઢારીયા (ઉ.વ. ૬૦, ધંધો લુહારી કામ, રહે. મોરબી, મહેન્દ્રનગર, તક્ષશીલા સ્કુલની બાજુમાં)એ જાહેર કરેલ કે પોતાની દિકરી મોનિકા (ઉ.વ.૨૭) પોતાના સ્કુટર જી.જે.૩૬.સી.૬૬૪૦ લઇ પોતાના ઘરે મોરબીથી નિકળી વાંકાનેર, મહાદેવ નગર, પંચાસર રોડ ઉપર રહેતી પોતાની મોટી દિકરી દિપ્તી સંદીપભાઇ ગોહેલના ઘરે ગયેલ હતી. અને તા. ૨૦/૯/૨૦૨૦ના બપોરના ત્રણેક વાગ્યે વાંકાનેર ખાતેથી મોરબી પોતાના ઘરે આવવા માટે નીકળેલ હતી. આ દરમ્યાન વાંકાનેર તાલુકાના ઢુવા ગામ મહા નદીના પુલ ઉપર પોતાનું એકટીવા તથા મોબાઇલ તથા વોલેટ મુકી કોઇને કહયા વગર જતી રહેલી હતી. આ બનાવ અંગે ગુમસુદા રજીસ્ટર કરવામાં આવેલ હતી.
આ બનાવમાં ગુમ થનાર મોનિકાને શોધી કાઢવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા તપાસ દરમિયાન લાગતા-વળગતા લોકોની પૂછતાછ કરતા હતા. ત્યારે ગુમ થનારના બનેવી સંદીપ કિશોરભાઇ ગોહેલ (રહે. વાંકાનેર)એ પોલીસને ગુમ થનાર અંગે કોઈ હકીકત જાણતા નહી હોવાનું જણાવેલ હતું. ત્યારબાદ પોલીસે ઉડાણપુર્વક તપાસ કરીને સંદીપભાઈને પોલીસે યુકિત-પ્રયુક્તિપુર્વક પુછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. અને ત્યારે પોલીસને હકીકત જણાવેલ કે, ગુમ થનાર મોનીકા સાથે પોતાને પ્રેમ સંબંધ હોય. જેથી, પોતે જ વાંકાનેર ખાતે મકાન ભાડે અપાવી સાથે રહેતા હોવાનુ સ્વીકાર્યું હતું.
આમ, ગુમ થનાર મોનિકા અંગે પોતાના જ સગા બનેવી સંદીપભાઇ કિશોરભાઇ ગોહેલ (ઉ.વ. ૩૪, રહે. વાંકાનેર, મહાદેવ નગર, પંચાસર રોડ) જાણતો હોવા છતા પોલીસને સાચી હકિકત પુરી નહી પાડી, પોલીસને ગેરમાર્ગે દોડી સત્ય હકીકત છુપાવી હતી. જેથી તેની વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી તેમજ ગુમ થનાર મોનિકાને તેના વાલીને સોંપવામાં આવેલ છે. આમ, વાંકાનેરમાં ગુમ થનાર યુવતી સગા બનેવી સાથે પ્રેમસંબંધમાં રહેતી હોવાનું ખુલતા ચકચાર મચી ગઈ છે.