લજાઈ નજીકથી રૂપિયા ભરેલ બેગ મળી આવતા પરિવારજનો એ ટંકારા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી એક ઉત્તમ નાગરિક તરિકેની ફરજ અદા કરી હતી. રાજકોટ થી મોરબી તરફ રિક્ષા લઈને આવતી વેળાએ જયદિપભાઇ દિનેશભાઇ ઠાકોર તથા મોરબી ઠાકોર સમાજના પ્રમુખ વિણાબેન દિનેશભાઇ ઠાકોર તથા ચંદ્રિકાબેન દેવાયતભાઇ ઠાકોર અને રિક્ષાચાલક મયુરભાઇ બાબુભાઇ બાબરીયા સહિતના લજાઇ નજીક આવેલ CNG પેટ્રોલપંપ પર ગેસ પુરાવવા ઉભા રહ્યા હતા આ દરમ્યાન પંપની બાજુમાં રોડની સાઇડમાં એક કાળા રંગનો થેલો બાળકીને નજરે ચડતાં વડિલને જણાવ્યું હતું જેને લઈને વડીલે થેલો ચેક કરતાં તેમાં રોકડ રૂપીયા ૮૪૦૦૦ તથા ચેકબુક તેમજ જરૂરી દસ્તાવેજી ડોક્યુમેંટ્સ મળી આવ્યા હતા.
આથી તેઓએ તાત્કાલિક મોરબી પીઆઇ વી.બી.જાડેજાનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ પીઆઈએ ટંકારા પોલીસ સ્ટેશને થેલો આપવા જણાવ્યું હતું ઉપરાંત ટંકારા પોલીસ સબ ઇન્સપેકટર એસ.એમ.રાણા તથા સાથેના પોલીસ સ્ટાફે થેલાનો કબ્જો લઈ અને મુળ માલીકની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે.થેલા માં મોટી રકમ હોવા છતાં આ પરિવારે બતાવેલ પ્રમાણિકતાને બીરદાવી એક ઉત્તમ નાગરિક ફરજ અદા કરતા આ કામગીરી કરનાર પ્રમાણિક પરિવારને પોલીસ તંત્ર દ્વારા બીરદાવામાં આવ્યા હતા.