મોરબી-માળીયા વિધાનસભા બેઠક પર કુલ ૧૬૩૬ દિવ્યાંગ મતદારો પૈકી ૧૫૦ બહેરા-મૂંગા મતદારો નોંધાયેલા છે
કોરોના મહામારી વચ્ચે મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આ મહામારી વચ્ચે કોઇ દિવ્યાંગ મતદારોને મતદાન કરવા માટે કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.
મોરબી વિધાનસભા બેઠકના વિસ્તારમાં કુલે ૧૬૩૬ જેટલા દિવ્યાંગ મતદાતાઓ નોંધાયેલા છે તેમાં પણ બહેરા-મૂંગા મતદારો ૧૫૦ જેટલા મતદારો નોંધાયેલા છે. બહેરા-મૂંગા મતદારોને મતદાન કરવા માટે આ વખતે ખાસ બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બહેરા-મૂંગા દિવ્યાંગ મતદારો ઘરબેઠા બેલેટ પેપરથી મતદાન કરે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને દિવ્યાંગ મતદારોના નોડેલ અધિકારીશ્રી અનીલાબેન પીપળીયા ખાસ કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું છે. આ કેમ્પેઇન અંતર્ગત બહેરા-મૂંગા મતદારોને તેમની સાઇન લેંગ્વેજ દ્વારા મતદાન કઇ રીતે કરવું તે અંગેની સમજ આપવામાં આવી રહી છે.
મોરબી કલેક્ટર કચેરી ખાતે આવેલ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાં કોરોનાના કારણે સામાજિક અંતર જળવાઇ રહે તે રીતે દિવ્યાંગ મતદાતાઓને બોલાવીને ઘર બેઠા બેલેટ પેપરથી મતદાન કરવા માટેની સમજ આપવામાં આવી રહી છે અને બેલેટ પેપર દ્વારા મતદાન કરવા માટેનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે.