મોરબી માર્કેટીંગ યાર્ડમાંથી થોડા દિવસો અગાઉ ૪ લાખની કિમતનું ૧૧૭ મણ જીરું ચોરાઈ જવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચાલુ હતી જે દરમિયાન હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ ને આધારે માહિતી મળી હતી કે આ ચોરી કરનાર માંથી એક આરોપી ડુંગરરામ ખેતરારામ સુથાર(રહે.કેકળ તાં સેડવા જી.બાડમેર) વાળો રાજસ્થાનમાં છે જ્યાં આરોપીઓ ને ઝડપી પાડવા અને મુદામાલ કબ્જે કરવો અત્યંત પડકાર જનક કામ છે.
જેથી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવીને રાજસ્થાન મોકલવામાં આવી હતી જ્યાંથી આરોપી ડુંગરરામ ખેતરારામ સુથારને ૪૨ મણ જીરૂની ૧૪ બોરી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જેને મોરબી લાવી વધુ પૂછપરછ કરતા આરોપીએ વટાણા વેરી દીધા હતા અને પોતે મોરબીમાં સુથારી કામ કરતો હોય અને અન્ય ત્રણ આરોપી જગદીશરામ ગંગારામ ચૌધરી( રહે.ચરનુંચીમજી તા.જી.બાડમેર),ચુનારામ રત્નારામ ચૌધરી (રહે.બોલી તા.સેડવા જી.બાડમેર) અને તગારામ નરસિંગરામ સઉ (રહે.રાવતસર તા.જી.બાડમેર) વાળા મોરબી માર્કેટીંગ યાર્ડમાં મજૂરી કામ કરતા હોય જેથી આ ત્રણે આરોપીઓએ જ ડુંગરરામ ને માર્કેટીંગ યાર્ડમાં ચોરી કરવાની ટિપ્સ આપી હતી અને જીરુનો વધુ ચોરી કરેલ જથ્થો મોરબીમાં જ ભાડાના મકાનમાં રાખેલ છે એવી કબુલાત આપી હતી.
જેથી પોલીસે કુલ ચાર આરોપીને ચોરી માં વપરાયેલ બોલેરો પિકપ અને ચોરી થયેલ જીરુ પૂરેપૂરો જથ્થો ૧૧૭ મણ સહિત કુલ કી.૬,૫૦,૦૦૦ મુદામાલ સાથે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.