ચીફ ઓફિસરે કલેકટરને રજુઆત કરી ગેરકાયદે બાંધ કામોના દસ્તાવેજ નહિ નોંધવાની માંગ કરી
મોરબી : મોરબી નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટયો છે જેમાં મં જૂરી વગરના બહુમાળી ઈમારત, કોમર્શિયલ કોમ્પલેક્ષ સહિતના બાંધકામો રોકવા નગરપાલિકા ટૂંકું પડી રહ્યું છે. હવે આ ગેરકાયદે બાંધકામો અટકાવવા તંત્રએ બીજો રસ્તો અપનાવ્યો છે. જેમાં ચીફ ઓફિસરને કલેકટરને રજુઆત કરી શહેરમાં આવા ગેરકાયદે બંધાકામોના દસ્તાવેજ નોંધવા સબ રજિસ્ટાર કચેરીએ આવે તો આવા દસ્તાવેજ ન નોંધાવની ચિફ ઓફિસરે મોરબી જિલ્લા કલેકટરને ભલામણ કરી છે.
મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે, ઓનલાઈન ડેવલોપમેન્ટ સીસ્ટમ 2.0 દ્વારા શહેરી વિસ્તારમાં કોઈપણ બાંધકામ માટે માત્ર ઓનલાઈન માધ્યમ IFP/ઈ-નગરથી મંજુરી આપવા અંગેની પ્રર્વતમાન સૂચનાઓ વર્ષ-2017થી અમલમાં આવતા મોરબી નગરપાલિકા દ્વારા પણ અમલવારી કરવામાં આવે છે અને પરવાનગીઓ ઓ.ડી.પી.એસ.-2.0 હેઠળ નોંધાયેલ રજીસ્ટર્ડ એન્જીનીયરો દ્વારા કરવામાં આવે છે. જે અન્વયે કોઈપણ વિકાસ પરવાનગીની ફાઈલો નગરપાલિકાના આવક -જાવક વિભાગ ખાતે સ્વીકારમાં આવતી નથી.
પરંતુ મોરબી સબ રજીસ્ટ્રાર કચેરી દ્વારા નગરપાલિકાના આવક વિભાગે આવક રજીસ્ટરથી નોંધણી થયેલ હોઈ તેવા સિક્કા ધરાવતી ફાઈલોને રજુ થયેલ નકશાઓ મુજબ બાંધકામ પરવાનગી મળેલ છે તેવું માની સીધે-સીધા ફલેટ, મકાન તથા અન્ય મિલ્કતોના દસ્તાવેજની નોંધણી કરવાની કાર્યપધ્ધતી અપનાવવામાં આવેલ છે. અને જેને પરિણામે નગરપાલિકામાંથી બાંધકામ મંજુરી ન મેળવી કચેરીને બાંધકામના ચાર્જ પેટે અંદાજીત રૂ.200 પ્રતિ સ્કવેર મીટર નુકશાન થાય એ પ્રકારની ગેરકાયદેસરની નોંધણી થઇ રહેલ છે.
વધુમાં સરકારી કાગળો સાથે આ પ્રકારે ચેડા કરી, અનઅધિકૃત આધારો ઉભા કરી, દસ્તાવેજોની જે નોંધણી કરવામાં આવે છે તેના પરિણામે શહેરી વિસ્તારમાં સી.ડી.જી.સી.આર.નું પાલન કરવામાં આવતું નથી અને પાર્કિંગ માર્જીનના નીયમોના અપાલનના કારણે આવશ્યક સુવિધાઓ ઉભી કરવામાં અને ટ્રાફિક સમસ્યા નિવારવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત આવા અનઅધિકૃત આધારોથી વેચાણ થયેલ મીલ્કતો, ઈમારતોને પી.જી.વી.સી.એલ, કચેરી તરફથી તથા ગુજરાત ગેસ તરફથી આવશ્યક સેવાઓ કમ્પ્લીશન સર્ટીફિકેટ, બિલ્ડીંગ યુઝ પરમીશન અને ફાયર એન.ઓ.સી.ની ચકાસણી કર્યા વિના આપવામાં આવે છે, જે બાબત મોરબી શહેરનો સમાવેશ ભૂકંપ ઝોન-3માં થવા પરત્વે જાન-માલ માટે જોખમરૂપ હોવાનું જણાવ્યું છે.
આ સંજોગોમાં મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીને નગરપાલિકા વિસ્તારમાં નોંધવામાં આવતા તમામ દસ્તાવેજમાં બાંધકામ અંગેની તમામ નોંધણીઓમાં નગરપાલિકા કચેરી તરફથી ઓ.ડી.પી.એસ.2.0 હેઠળ ઓનલાઈન બાંધકામ પરવાનગી સંદર્ભે પરમીશન મળી હોવાનુ “ડી-ફોર્મ” અને કમ્પ્લીશન સર્ટી, બિલ્ડીંગ યુઝ પરમીશન અને ફાયર એન.ઓ.સી.ની ચકાસણી કરવામાં આવે અને ગુજરાત હાઇકોર્ટના કેસ નં.- PIL-118/2020 થી મળેલ તમામ નિર્દેશોનું પાલન થઇ શકે તેવી સૂચના આપવા રજુઆત કરી છે.