મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છતર ગામની જી.આઇ.ડી.સી.ના પાછળના ભાગે દરોડો પાડીને પોલીસે ૧૭૫ દારૂની પેટી વિદેશી દારૂની બોટલો સાથે ચાર શખ્સોને ઝડપી પાડયા હતા.
આ અંગેની મળતી વિગતો અનુસાર, ટંકારા પીએસઆઈ બી.ડી. પરમાર, સર્વેલન્સ સ્કોડના હેડ કોન્ટેબલ વિજય નાગજીભાઇ બાર પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, છતર ગામની જી.આઇ.ડી.સી.નાં પાછળનાં ભાગે પડતર જમીનમાં ઇંગ્લીશદારૂની પેટીઓ છુપાડવામાં આવી છે અને હાલ તેનું કીટીંગ ચાલુ છે, જે બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટાફે સ્થળ પર રેડ કરી સ્થળ પરથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ૧૭૫ પેટી માં કુલ ૨૧૦૦ દારૂની બોટલ મળી આવી હતી કે જેની કિંમત રૂ.૮,૭૭,૩૨૦/- છે. તેમજ સ્થળ પરથી એક બોલેરો પીક વાહન, એક મારઝો કાર તથા મોબાઇલ મળી કુલ રૂ.૧૨,૯૨,૩૨૦ /-નો મુદ્દામાલ કબ્જે કરી દારૂની હેરાફેરી કરતા આરોપી અમરશી સુજાભાઇ એવારીયા, કમલેશ બાબુલાલ કારેલીયા, અશ્વીન દશરથભાઇ રૂદાતલા અને મયુર રણછોડભાઇ મકવાણાની ધરપકડ કરી છે. ત્યારે આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ હતું કે, આ દારૂ ક્રિપાલસિંહ જાડેજા અને નરેશ ભગવાનદાસ સાધુ ઉર્ફે સાધુરામ દ્વારા મંગાવવામાં આવ્યો હતો. જે તમામ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.