આ દુનિયામાં માણસો સાથે પશુઓ પક્ષીઓ જીવ જંતુઓને પણ જીવવાનો હક છે પરન્તુ ક્યાંકને ક્યાંક અમુક વિકૃત માનસ ધરાવતા લોકો આ વાત સ્વીકારી નથી શકતા ત્યારે અબોલ જીવો પર અત્યાચારના બનાવો સામે આવતા હોય છે અને અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગલુડિયાને માર મારતા તેનું મોત નીપજ્યું હતું જેથી જીવ દયા પ્રેમી દ્વારા ત્રણ લોકો વિરુદ્ધ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની વિગત મુજબ પ્રાણીઓના કલ્યાણ રક્ષણ અને જતન માટે વેલ્ફેર સંસ્થા ચલાવતા દીપાબેન જોશી ને અમદાવાદના અમરાઈ વાડી વિસ્તારમાંથી રામાપીરની ચાલી વિસ્તારમાંથી જાગૃત નગરિકનો ફોન આવ્યો હતો કે રામાપીરની ચાલીમાં કેટલાક રહીશો દ્વારા શ્વાનના બચ્ચાં (ગલુડિયા) ને અવાર નવાર આડેધડ લાકડી વડે માર મારવામાં આવે છે જેથી જીવદયા પ્રેમી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં હાજર મહિલાને આ બનાવ અંગે પૂછતાં તેમને જણાવ્યું હતું કે રામાપીરની ચાલીમાં રહેતા દીપાબેન પ્રજાપતિ, મંજુબેન રાઠોડ અને ચિરાગ પરમાર નામના વ્યક્તિઓ અવાર નવાર નિર્દયી રીતે ગલુડિયાને માર મારે છે અને ચિરાગ પરમાર નામના વ્યક્તિએ એક ગલુડિયાને પગે લાકડી વડે જીવલેણ ઘા મારતા તે ગલુડિયાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ગલુડિયુ હાલમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે જેથી જીવદયાપ્રેમી દીપાબેન જોશી દ્વારા તાત્કાલીક એનિમલ હેલ્પલાઇન પર ફોન કરીને ઇજાગ્રસ્ત ગલુડિયાની સારવાર કરાવી હતી જ્યારે અન્ય ગલુડિયાના મોત મામલે જીવદયાપ્રેમી દ્વારા અમરાઈવાડી પોલીસ મથકમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.